પ્રેમનું ભવિષ્ય સિક્યૉર કરવામાં આપણે પ્રેમની વર્તમાન ક્ષણ ગુમાવી દઈએ છીએ
પ્રતીકાત્મક તસવીર
આ રીતે આપણે ક્યાં સુધી મળ્યા કરીશું? શું આપણે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ છીએ? આપણે લગ્ન માટે ક્યારે વિચારીશું? લિવ-ઇનમાં રહીશું? તો ફ્લૅટ ક્યારે બુક કરાવીશું? હું તારા નામનું ટૅટૂ કરાવી લઉં? આપણે બેબી ક્યારે પ્લાન કરીશું?
કોઈ પણ પ્રેમસંબંધમાં ભવિષ્યને લગતા આ પ્રશ્નોની યાદી અંતહીન છે. જે ક્ષણે ગમતી વ્યક્તિ આપણી નજીક આવવા લાગે છે એ જ ક્ષણથી આપણે ભવિષ્યને પ્રશ્નો પૂછવા લાગીએ છીએ. આપણે હંમેશાં એક સ્ટેપ આગળ વિચારીએ છીએ. જેઓ પહેલી વાર મળ્યાં છે તેઓ ડેટિંગ વિશે વિચારે છે. ડેટિંગ કરી રહેલાં રિલેશનશિપ વિશે અને રિલેશનશિપમાં પ્રવેશેલાં લગ્ન વિશે.
ADVERTISEMENT
પ્રેમના ‘એસ્કેલેટર’માં ધીમે-ધીમે ઉપર જતાં હોઈએ એમ છતાં પણ આગલું પગથિયું ચડી જવાની ઉતાવળ શું કામ આવે છે? પ્રેમના જે પ્લૅટફૉર્મ પર આપણે મોજથી ઊભાં હોઈએ ત્યાંથી દોડીને આગલા સ્ટેશન સુધીની ગાડી પકડી લેવાની જરૂર ક્યાંથી ઊભી થાય છે? પ્રેમની વર્તમાન ક્ષણમાં આપણી અંદર એવો તે કયો અજંપો અને અસ્થાયીપણું છે કે આપણને ભવિષ્યનું પ્લાનિંગ અને સલામતી
જોઈએ છે?
કોઈ જગ્યાએ નોકરી મળે તો તરત જ આપણે બૉસને નથી પૂછતા કે પ્રમોશન ક્યારે મળશે? મમ્મી-પપ્પા કે ભાઈ-બહેનને તો આપણે ક્યારેય નથી પૂછતા કે આપણા આ સંબંધનું ભવિષ્ય શું છે? જે મિત્રોમાં આપણે વર્ષોથી ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છીએ એ મિત્રોને પણ ક્યારેય નથી પૂછ્યું કે આપણી મિત્રતાનું ભવિષ્ય શું? તો ફક્ત કોઈ પ્રેમસંબંધનું જ ભવિષ્ય જાણવામાં આટલીબધી અધીરાઈ, બેચેની અને ઉદ્વેગ શું કામ? એનું મુખ્ય કારણ છે અસલામતી. ભવિષ્ય વિશેની અસલામતી અને અનિશ્ચિતતા આપણા સુખદ વર્તમાનને ઓગાળતી રહે છે. પ્રેમનું ભવિષ્ય સિક્યૉર કરવામાં આપણે પ્રેમની વર્તમાન ક્ષણ ગુમાવી દઈએ છીએ અને હકીકત એ છે કે પ્રેમનું કોઈ ભવિષ્ય જ નથી હોતું. પ્રેમનો ફક્ત વર્તમાન હોય છે.
એ પ્રેમ હોય કે પ્રિયજન, અવસ્થા હોય કે અનુભૂતિ, કશુંક ગમતું ગુમાવી દેવાનો ડર આપણને ભવિષ્ય નિશ્ચિત અને સલામત કરી લેવા માટે મજબૂર કરે છે. સૂકા ભઠ રણ જેવા જીવતરમાં વરસાદના કોઈ ઝાપટાની જેમ આવી ચડેલા અને આપણને ભીંજવી રહેલા પ્રેમને આપણે ગુમાવવા નથી માગતા અને એટલે પ્રેમનું ભવિષ્ય જાણવા માગીએ છીએ. તો આ સમસ્યાનો ઉપાય શું? ‘ક્લાઉડ નાઇન’ સુધીની આહલાદક મુસાફરી કરાવતા પ્રેમની જો આવતી કાલ જ નિશ્ચિત ન હોય તો એ અજંપાભર્યા આનંદની વૅલિડિટી કેટલી? આ સમસ્યાનો ઉપાય પ્રિય મહિલા ફિલોસૉફર હાના એરન્ટના એક પુસ્તકમાં રહેલો છે. ‘Love and Saint Augustine’ નામના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે પ્રેમનો એકમાત્ર હેતુ તમને નિર્ભય બનાવવાનો છે. વાસ્તવિકતા એ છે કે પ્રેમ અને ડર એ બન્નેમાંથી કોઈ એક ક્ષણે આપણે કોઈ એક જ લાગણી અનુભવી શકીએ છીએ. બન્નેનો એકસાથે અનુભવ શક્ય નથી. એટલે આ બેમાંથી આપણે કોઈ એક લાગણીની પસંદગી કરવાની છે. જો સંબંધના ભવિષ્ય વિશેનો ડર કે અસલામતી હશે તો પ્રેમ નબળો પડતો જશે અને જો પ્રેમ મજબૂત હશે તો નીડરતા આપોઆપ આવી જશે.
હાનાએ લખ્યું છે, ‘જે સંબંધ સલામતી ઝંખે છે એ પ્રેમમાં ખૂબ બધું ફ્રસ્ટ્રેશન હોવાનું, કારણ કે પ્રેમનો મૂળ સ્વભાવ જ અનિશ્ચિતતા છે. પ્રેમને ફક્ત વર્તમાન ક્ષણ સાથે નિસબત હોય છે. પ્રેમ ભવિષ્યની જવાબદારી નથી લેતો.’ અને એટલે જ પ્રેમમાં રહેલા દરેકનું લક્ષ્ય સલામતીને બદલે નીડરતા હાંસિલ કરવાનું હોવું જોઈએ. ભવિષ્યમાં આવનારા અનિચ્છનીય વળાંકો, અણધાર્યા બનાવો કે દુર્ઘટનાની સામે નિર્ભયતા મેળવવાનું. અને એ તો જ શક્ય બનશે જો આપણું લક્ષ્ય પ્રેમ જાળવી રાખવાને બદલે પ્રેમમાં ઓતપ્રોત થઈ જવાનું હશે. સાવ અલ્પ ક્ષણો માટે કરેલો પ્રેમ કેટલાકને સદીઓ જિવાડતો હોય છે, તો કેટલાક લોકો પ્રેમની હાજરીમાં પણ ભયભીત થઈને નિશ્ચેતન અવસ્થામાં જીવતા હોય છે. જેઓ પ્રેમના મૂળ ઉદ્દેશને પામી જાય છે તેઓ બેફિકર અને બિન્દાસ બની જાય છે. બાકીના પ્રેમનું ભવિષ્ય શોધતા રહે છે. જો આ ક્ષણમાં રહેલો પ્રેમ ભરપૂર હશે તો એ આવનારી ક્ષણમાં જે કાંઈ પણ થાય એની પરવા નહીં કરે.
AMC (ઍન્યુઅલ મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટ) તો પ્રોડક્ટનો હોય, પ્રેમનો નહીં. જે ક્ષણે આપણા મનમાં કશુંક સાચવી કે જાળવી રાખવાની ઇચ્છા પ્રગટે છે એ જ ક્ષણથી આપણે એને સમગ્રતાથી માણવાનું ચૂકી જઈએ છીએ. આગાહીઓ કે ભવિષ્યવાણી તો હવામાન વિભાગમાં કરવાની હોય, શું પ્રેમસંબંધનું કોઈ ભવિષ્ય હોવું જરૂરી છે? હેત વિભાગમાં નહીં. અહીં તો બધું જ અનિશ્ચિત અને અણધાર્યું હોય, એક વર્તમાન ક્ષણ સિવાય. અને પ્રેમ ફક્ત વર્તમાન ક્ષણમાં જ થઈ શકે છે. આવનારી ક્ષણમાં છૂટાં પડી જવાની તૈયારી સાથે જેઓ વર્તમાન ક્ષણને જીવી જાણે છે, પ્રેમ ફક્ત તેઓ જ કરી શકે છે. જે હૃદયને સતત તૂટવાનો ડર હોય છે એ ક્યારેય પોતાની પૂરી ક્ષમતાથી ધબકી નથી શકતું. દ્રુતગતિમાં ધબકવા છતાં પણ ગમે તે ક્ષણે અટકી જવું એ હૃદયની નિયતિ છે અને પ્રેમની પણ. ધબકાર કે શણગાર, પ્રેમ કે પ્રાણ, અહીં કશું જ કાયમી નથી.

