Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > લગ્નનાં ૨૫-૩૦ વર્ષ પછી પણ સ્પાર્ક કઈ રીતે જાળવી રાખવો?

લગ્નનાં ૨૫-૩૦ વર્ષ પછી પણ સ્પાર્ક કઈ રીતે જાળવી રાખવો?

Published : 14 August, 2025 02:39 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

લગ્નને ઘણાં વર્ષો થઈ જાય એ પછી અનેક કિસ્સામાં પતિ-પત્ની વચ્ચેનો બૉન્ડ નબળો પડી જતો દેખાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લગ્નજીવનમાં સાથે હોય પણ નિકટ ન હોય એવાં ઘણાં દંપતીઓ હોય છે. લગ્નને ઘણાં વર્ષો થઈ જાય એ પછી અનેક કિસ્સામાં પતિ-પત્ની વચ્ચેનો બૉન્ડ નબળો પડી જતો દેખાય છે. એવામાં કઈ રીતે તેઓ એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં રહી શકે એના વિશે એક્સપર્ટ ઓપિનિયન લઈએ


જૅકી શ્રોફને હમણાં કોઈએ તેના ૪૮ વર્ષના લગ્નજીવનનું રહસ્ય પૂછ્યું તો તેણે કહ્યું કે ચિટક કે રહને કા, ઔરત કો છોડને કા નહીં. તેનો કહેવાનો અર્થ એ છે કે લગ્ન પછી દરેક પરિસ્થિતિમાં પત્નીનો સાથ આપવો, તેને છોડવી નહીં અને સંબંધને મજબૂતીથી પકડી રાખવો. જૅકી શ્રોફે ભલે આ વાત રફ ભાષામાં કહી હોય, પણ આજના જમાનામાં જ્યાં છાશવારે લગ્નજીવનોમાં ભંગાણ આવી રહ્યાં છે ત્યારે દંપતીઓએ આ વાત ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આજે આપણે ૨૧ વર્ષનો અનુભવ ધરાવતા ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને પ્રી ઍન્ડ પોસ્ટ મૅરેજના કેસિસમાં રિલેશનશિપ કાઉન્સેલિંગ કરતાં અમ્રિતા આચરેકર પાસેથી આ મુદ્દે તેમના વિચારો તેમના જ શબ્દોમાં જાણીએ...



ઇન્ટિમસીનું મહત્ત્વ


એક પતિ અને પત્ની વર્ષો સુધી એકબીજાને તો જ ચીટકેલાં રહી શકે જ્યારે તેમનામાં ફિઝિકલ અને ઇમોશનલ ઇન્ટિમસી હોય. ભાવનાત્મક નિકટતા વગરનો ઉપરછલ્લો સંબંધ હંમેશાં જીવનમાં ખાલીપો લઈને આવે છે. એવી જ રીતે જ્યારે ફિઝિકલ ઇન્ટિમસીની વાત કરવામાં આવે ત્યારે એ ફક્ત જાતીય સંબંધ પૂરતો સીમિત નથી હોતો. એમાં પ્રેમથી હાથ પકડવો, ગળે ભેટવું, પ્રેમથી માથા પર હાથ ફેરવવો, ખભા પર માથું રાખીને સૂવું વગેરે જેવા નાના-નાના સ્પર્શનો પણ સમાવેશ થાય છે. એનાથી રિલેશનશિપમાં એક સ્પાર્ક જળવાઈ રહે, ભાવનાત્મક જોડાણ બની રહે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને લગ્નજીવન અર્થસભર લાગે. જે સંબંધોમાં ફિઝિકલ કે ઇમોશનલ બન્ને ઇન્ટિમસી રહી ન હોય તેમનો સંબંધ ખોખલો થઈ જાય છે. તમે ઘણાં એવાં દંપતીઓ જોયાં હશે જેમના સંબંધો લગ્નનાં ૨૫-૩૦ વર્ષ બાદ ફક્ત નામ માત્રના રહી જતા હોય છે. તેમના સંબંધમાં એ હૂંફ, પ્રેમ, લાગણી હોતાં નથી. એ લોકો સાથે તો જીવતા હોય છે, પણ ચીટકેલા એટલે કે મનથી જોડાયેલા હોતા નથી. તાજેતરમાં આર. માધવનની ‘આપ જૈસા કોઈ’ નામની ફિલ્મ આવી છે. એમાં તેની ભાભી અને ભાઈ વચ્ચેનો એક સંવાદ છે. એમાં તેની ભાભી કહે છે, ‘ત્રણ ટાઇમની દવા અને ખાવાનું સમય પર મળી જાય તો તમને ધ્યાન પણ નહીં રહે કે હું તમારી સાથે નથી’. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે પતિ-પત્નીના સંબંધો ફક્ત એકબીજાની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાથી નહીં, ભાવનાત્મક જોડાણથી જીવિત રહે છે.

સ્પર્શની ભૂમિકા


ઇન્ટિમસીનો સીધો અર્થ છે કે બે જણ વચ્ચે લાગણીનો ઊંડો સંબંધ હોવો. ઇન્ટિમસી ફક્ત પતિ-પત્ની વચ્ચે જ હોય એવું નથી, દરેક સંબંધમાં ઇન્ટિમસી હોય છે પણ એનું રૂપ અલગ-અલગ હોય છે. એ ઇન્ટિમસી વધારવામાં સ્પર્શની એક અહમ ભૂમિકા હોય છે. સ્પર્શ અથવા તો ટચ યુનિવર્સલ છે, કારણ કે હ્યુમન ટચનું વિજ્ઞાન અને સાઇકોલૉજી દુનિયાભરમાં લગભગ એકસરખી રીતે કામ કરે છે. આપણી સ્કિનમાં ટચ-રિસેપ્ટર્સ હોય છે જે બ્રેઇનને સેફ્ટી, કમ્ફર્ટ અને બૉન્ડિંગનું સિગ્નલ મોકલે છે. આ રીઍક્શન કલ્ચર, ભાષા કે દેશ બદલવાથી બદલાતું નથી. ઉષ્માભર્યા સ્પર્શથી ઑક્સિટોસિન એટલે કે બૉન્ડિંગ હૉર્મોન રિલીઝ થાય છે જે વિશ્વાસ અને કનેક્શન બનાવે છે. એટલે સ્પર્શનો ઉપયોગ બૉન્ડિંગ બનાવવા માટે થાય છે. ઍડલ્ટહુડમાં ઇન્ટિમસીનું મહત્ત્વ સમજવા માટે આપણે આપણા જીવનના વિવિધ સંબંધો અને એમાં કઈ રીતે બૉન્ડિંગ બને છે એ સમજવું પડશે. બાળક જન્મે અને જેવો તે ડૉક્ટરના હાથમાં આવે એટલે તરત તેને ખબર પડે કે હું ક્યાંક બીજી દુનિયામાં આવી ગયો છું, નવ મહિના સુધી મને જે સ્પર્શ જાણીતો લાગતો હતો એનાથી આ સ્પર્શ કંઈક અલગ છે. વિદેશમાં તમે જોશો તો બાળકના જન્મ પછી તેને મમ્મીની છાતી પર સુવડાવવામાં આવે છે જેથી બાળક મમ્મીની દિલની ધડકનો સાંભળી શકે, સ્પર્શનો અનુભવ કરી શકે. એનાથી બાળક વધુ સુરક્ષિતતાનો અનુભવ કરે અને મા સાથેનું લાગણીભર્યું જોડાણ મજબૂત કરી શકે. તમે ધ્યાન આપશો તો આમાં માતા-બાળક વચ્ચે કોઈ વાતચીત કે સંવાદ નથી થઈ રહ્યો. માતાના સ્પર્શથી જ બાળકને એ સમજાઈ રહ્યું છે કે હું સુરક્ષિત​ હાથોમાં છું. એવી જ રીતે બાળક બે-ત્રણ મહિનાનું થાય, તેને લોકો રમાડવા માટે હાથેથી ઊંચકે એટલે મોટા ભાગનાં બાળકો રડવા માંડે, કારણ કે તેમને સ્પર્શથી તરત ખબર પડી જાય કે આ રોજવાળો સ્પર્શ નથી, મને સુરક્ષિત નથી લાગી રહ્યું. બાળક સ્કૂલમાં ભણવા માટે જતું હોય અને સારા માર્ક્સ લાવ્યું હોય, કોઈ કૉમ્પિટિશનમાં પ્રાઇઝ જીતીને આવ્યું હોય ત્યારે તે તેની ખુશી વ્યક્ત કરવા માટે દોડીને પેરન્ટ્સને ભેટી પડતું હોય છે. એ સમયે તેની પાસે ખુશી વ્યક્ત કરવા માટેના એટલા શબ્દો નથી હોતા પણ તે ભેટીને તેની લાગણીઓ બહાર કાઢે છે. બાળકોને શબ્દોની ભાષા કરતાં સ્પર્શની ભાષા વધુ સમજમાં આવે છે અને એટલે જ તેમને સ્કૂલમાં ગુડ ટચ અને બૅડ ટચ શીખવાડવામાં આવે છે. કેટલીક છોકરીઓને તેમના અંકલ કે પપ્પાના મિત્રો ગાલ પર હાથ ફેરવે એ નહીં ગમે, પણ એની જગ્યાએ તેમને પપ્પા ગાલમાં હાથ ફેરવશે કે પપ્પી આપશે તો તેમને સેફ ફીલ થશે. એવી જ રીતે એક યુવક અને યુવતીની વાત કરીએ કે જે લોકો હજી ફ્રેન્ડ છે અને રિલેશનશિપમાં આવ્યાં નથી. હવે જ્યારે તેઓ એકબીજાનો હાથ પકડીને ચાલતાં હશે તો તેમને ફીલ થશે કે શું આ સ્પર્શમાં હૂંફ છે? નિકટતાનો ભાવ છે? કનેક્શન ફીલ થાય છે? એના આધારે જ તેઓ નક્કી કરશે કે મિત્રતાને રોમૅન્ટિક રિલેશનશિપમાં આગળ લઈ જવી છે કે નહીં. આપણું નજીકનું કોઈ બીમાર હોય અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થયું હોય તો આપણે તેની સાથે વધુ વાતચીત કરતા નથી, પણ તેના હાથમાં હળવેકથી સ્પર્શ કરીને કે માથા પર હાથ ફેરવીને તેને લાગણી દેખાડીએ છીએ. તેમને એવો અનુભવ કરાવીએ છીએ કે તું ચિંતા નહીં કર, જલદી સાજો થઈ જઈશ. ઘણી વસ્તુઓ બોલી નથી શકાતી એ સ્પર્શીને સમજી શકાય છે.

ઇમોશનલ કમિટમેન્ટ જરૂરી

કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાનો હાથ પકડીને રાખવાનું ત્યારે જ શક્ય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે ઇમોશનલ કમિટમેન્ટ હોય. એટલે કે એમાં તમને ભરોસો હોય કે જીવનમાં ગમેતેવી કપરી સ્થિતિ આવશે, મારો જીવનસાથી મારો સાથ નહીં છોડે. આ ભાવનાત્મક સુરક્ષા તેમને સાથે મળીને સમસ્યા સામે લડવામાં મદદરૂપ બને છે અને તેમના સંબંધને વધુ મજબૂત કરે છે. ઇમોશનલ કમિટમેન્ટ એમનેમ નથી આવતું. એ સમય, અનુભવ અને સાથે જોયેલા ચડાવ-ઉતાર બાદ ધીરે- ધીરે બને છે. ઇમોશનલ કમિટમેન્ટમાં ઇમોશનલ અને ફિઝિકલ ઇન્ટિમસીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે કારણ કે એ બન્ને મળીને સંબંધને મજબૂત, સુર​ક્ષિત અને ટકાઉ બનાવે છે. ટચ, હગ, કડલ, સેક્સ જેવા સ્પર્શ એ ફીલ કરાવે છે કે જીવનસાથીને તમારી જરૂરત છે, તે તમારી વૅલ્યુ કરે છે, તે તમારા જીવનમાં રહેવા ઇચ્છે છે. ફિઝિકલ ઇન્ટિમસીથી શબ્દો વગર પણ જીવનસાથીને સ્પર્શથી એ વિશ્વાસ મળે છે કે ગમે તે થઈ જાય, હું તારી સાથે છું. સામાન્ય રીતે એમ કહેવાય કે માણસ ખોટું બોલી શકે પણ બૉડી-લૅન્ગ્વેજ કોઈ દિવસ ખોટી હોતી નથી. ઘણી વાર એવું થાય કે પત્ની પતિને હગ કરે, પણ એમાં તેને દરરોજવાળી હૂંફનો અનુભવ ન થતો હોય તો તરત તેને ફીલ થઈ જાય કે કંઈક તો થયું છે. તમે તેને પૂછવાનું શરૂ કરી દો કે કામને લઈને કોઈ ચિંતા છે? કોઈએ તમને કંઈ કહ્યું? એટલે પતિ-પત્ની વચ્ચે સારીએવી ઇન્ટિમસી હોય તો એનાથી તેમને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે એ ખબર હોય. એવી જ રીતે તમે એકબીજાની ભાવનાઓ ખુલ્લા દિલથી શૅર કરો, એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરો, જીવનસાથીના પ્રયત્નોને બિરદાવો તો એનાથી ઇમોશનલ બૉન્ડિંગ મજબૂત થાય. એ સ્ટ્રૉન્ગ હોય તો જીવનસાથી હંમેશાં એકબીજા સાથે ચીટકીને રહે.  

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2025 02:39 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK