પતિ-પત્ની વચ્ચે મતભેદ દૂર થાય અને સંબંધો સુમધુર બને એના કેટલાક સરળ રસ્તાઓ અહીં દર્શાવ્યા છે, પણ એ રસ્તાઓની સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલની ફાસ્ટ લાઇફ વચ્ચે દંપતીઓ વચ્ચે કજિયાનું પ્રમાણ વધ્યું છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ દૂર થાય અને સંબંધો સુમધુર બને એના કેટલાક સરળ રસ્તાઓ અહીં દર્શાવ્યા છે, પણ એ રસ્તાઓની સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે સંબંધોમાં મીઠાશ તો જ રહે જો પરસ્પર સમજવાનો પ્રયાસ કરવામાં આવે
દોડધામ અને સતત હરીફાઈ વચ્ચે આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે જે સંબંધોમાં લાગણીનું બહુ મહત્ત્વ છે એ દંપતીના સંબંધોમાં ખટાશ વધવા માંડી છે. દરેક બીજા અને ચોથા ઘરમાં દામ્પત્યજીવન મરવા વાંકે જીવી રહ્યું છે તો અમુક ઘરો એવાં પણ છે જેમાં કપલ ડિવૉર્સ લઈને છૂટાં પણ થવા માંડ્યાં છે. આવું ન બને અને પરસ્પર લાગણી વધે એ માટેના કેટલાક રસ્તાઓ વાસ્તુશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યા છે, જે જાણવા જેવા છે.
ADVERTISEMENT
રાખો રાધેશ્યામ આંખ સામે...
દંપતીએ પોતાના રૂમમાં રાધેશ્યામનો ફોટો કે મૂર્તિ રાખવાં જોઈએ. યાદ રહે, એ મૂર્તિની પૂજા નથી કરવાની. આંખ સામે રાખવામાં આવેલા રાધેશ્યામને જીવનના આદર્શ બનાવવાના છે. એકબીજાને પામ્યા વિના પણ આજે શ્યામના નામની આગળ રાધાનું નામ લેવામાં આવે છે અને એ હજાર હાથવાળા શ્યામને પણ મંજૂર છે. પ્રેમનું કેટલું અદ્ભુત ઉદાહરણ. રાજારજવાડાના સમયમાં લગ્ન સમયે રાધેશ્યામનું પેઇન્ટિંગ ભેટમાં આપવાની પરંપરા હતી. રાજસ્થાનના અનેક મહેલો આજે પણ એવા છે જેમાં પતિ-પત્નીના આલિશાન બેડની સામે રાધેશ્યામનું પેઇન્ટિંગ રાખેલું છે. આંખ સામે રહેતાં રાધેશ્યામ પ્રેમ અને સમર્પણની ભાવના આપે છે અને સંબંધોમાંથી તનાવ દૂર કરે છે.
ધારો કે કોઈ કારણોસર રાધેશ્યામનું પેઇન્ટિંગ ન રાખવું હોય તો એકબીજા સાથે પ્રેમપૂર્વક મસ્તી કરતાં લવ-બર્ડ્સ પણ રાખી શકાય.
ઘરમાં રાખો સફેદ રોશની
વાત અહીં સફેદ કલરની લાઇટની છે. છેલ્લા થોડા સમયથી ઘરમાં હોટેલ જેવું વાતાવરણ ઊભું કરવા માટે ઑરેન્જ કલરની LEDનું ચલણ વધ્યું છે, પણ એવું કરવાને બદલે વાઇટ કલરની લાઇટ રાખવી જોઈએ. સફેદ કલર શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે તો સાથોસાથ સફેદ કલર સાંનિધ્યનો પણ પ્રતીક છે. જો શક્ય હોય તો બેડશીટ પણ વાઇટ કલરની રાખવી જોઈએ. વારંવાર ધોવાની કડાકૂટ લાગતી હોય તો પર્પલ કલરની બેડશીટનો ઉપયોગ કરવો જોઈએ પણ એ પ્રકારની બેડશીટમાં સફેદ કલરના ફૂલની ડિઝાઇન મળે તો ઉત્તમ. પર્પલ અને વાઇટ બન્ને પ્રેમનાં પ્રતીક છે. પણ હા, આ કલરનો ઉપયોગ વૉલમાં ન કરવો.
જો સફેદ રંગની માત્રા વધી જાય તો એ સાદગીને આકર્ષે છે અને સાદગી હંમેશાં દામ્પત્યજીવનમાં નીરસતા લાવે છે.
એક સમયનું અન્ન અચૂક સાથે
આ વાતનું પાલન હવેના સમયમાં બહુ ઓછું થતું જાય છે પણ પ્રયાસ કરવો કે રોજ ઓછામાં ઓછી એક વાર સાથે બેસીને જમવામાં કે નાસ્તો કરવામાં આવે. કહે છે કે જેનાં અન્ન ભેગાં, એનાં મન ભેગાં. આ ઉક્તિ એમ જ નથી જન્મી, એનો સીધો સંચાર વાસ્તુશાસ્ત્ર સાથે છે. પહેલાંના સમયમાં રાજારજવાડાંઓની દુશ્મની ભોજન સમારંભમાં પૂરી થતી. સાથે જમવાનો નિયમ રાખો અને એ નિયમ પણ એવો બનાવો કે બન્ને એક જ થાળીમાં ભોજન લેતાં હો.
જે સાથે જીવન શૅર કરી શકે તે સાથે ભોજન તો શૅર કરી જ શકે એટલે આ બાબતમાં બહુ ચોખલિયા થવાની જરૂર નથી. ભોજન કે નાસ્તામાં જો શક્ય હોય તો અચૂક ગળપણ રાખો અને એક સાદી-સરળ સલાહ. જમવા બેસતી વખતે મોબાઇલ કે ટીવીમાં ધ્યાન આપવાને બદલે ભોજનના સ્વાદ પર ધ્યાન આપો. સ્વાદ પર ધ્યાન આપવું એ સંબંધોને પાણી આપ્યા સમાન છે.
કરો કપડાંમાં મૅચિંગ
દેવી-દેવતાથી લઈને રાજા-મહારાજા અને તેમનાં પટરાણીના ફોટોગ્રાફ જોશો તો તમને દેખાશે કે તેમનાં વસ્ત્રોમાં પણ મૅચિંગ છે. શું કામ એવું છે એ જાણવાની કોશિશ કરશો તો સમજાશે કે સમાન થવા માટે સમાન દેખાવું પણ બહુ જરૂરી છે. દર વખતે નહીં તો અમુક ચોક્કસ દિવસે કે વારતહેવારે તો કપડાંમાં મૅચિંગ કરવું બહુ જરૂરી છે. ધારો કે સીધું મૅચિંગ ન થઈ શકે તો પણ એવું ન કરો કે બન્નેનાં કપડાં એકબીજાથી સંપૂર્ણપણે વિપરીત હોય.
દામ્પત્યજીવન માટે કહેવાય છે કે એકને જુઓ અને બીજું પાત્ર યાદ આવી જાય એ સુખી દામ્પત્યજીવન. આ વાતને સાર્થક પુરવાર કરવા માટે પહેલું પગલું આ જ લેવાનું છે કે મૅચિંગને મહત્ત્વ આપો અને એકમેક જેવાં થવાનો પ્રયાસ કરો.
બેડરૂમને રાખો બંધ
બેડરૂમ એવી જગ્યા છે જે નેગેટિવિટી સૌથી પહેલાં પકડે છે અને બેડરૂમમાં દાખલ થયેલી નેગેટિવિટીની સૌથી પહેલાં પતિ-પત્નીના સંબંધો પર અસર પહોંચાડે છે. બેડરૂમ ક્યારેય કોઈ સાથે શૅર કરવો નહીં અને જરૂર ન હોય તો બેડરૂમનું બારણું ખુલ્લું રાખવું નહીં. ખુલ્લો બેડરૂમ મન બાંધવાનું કામ કરે છે, જેને લીધે પતિ કે પત્ની પોતાના મનની વાત કરવામાં ખચકાટ અનુભવે અને સમય જતાં મનમાં ઘર કરી ગયેલી એ વાતો ઝઘડાના સ્વરૂપમાં બહાર આવે.
ધારો કે નાનું ઘર હોય અને બેડરૂમનું ડોર બંધ રાખવું શક્ય ન હોય તો નિયમ રાખવો કે દર એકાંતરે બેડરૂમમાં સી-સૉલ્ટનાં પોતાં મારવાં અને વીકમાં એક વાર બેડરૂમમાં કપૂરનો ધૂપ આપવો.

