સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લગ્ન માટે જીવનસાથીની પસંદગી થઈ જાય એ પછી લગ્ન થાય ત્યાં સુધીમાં જો તમે તેને સારી રીતે ઓળખી શકો તો તમારા લગ્નજીવનમાં તકલીફો ઓછી પડે એ સહજ છે. પરંતુ આજના બનાવટી સમયમાં એ સાચી ઓળખ અઘરી છે ત્યારે આજકાલ લોકો પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ અપનાવી રહ્યા છે જે તમારા જીવનસાથીને બહારથી નહીં પણ અંદરથી ઓળખવાની યોગ્ય તક ઊભી કરે છે, આવનારા જીવનની પ્રૅક્ટિકલ વાતોથી તમને અવગત કરીને લગ્ન માટે સજ્જ કરે છે. સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ
કિસ્સો ૧ - ચેતન અને ખુશ્બૂ બન્ને એન્જિનિયર અને બન્ને એકબીજા સાથે અત્યંત શોભે એવી જોડી. લગ્ન માટે જરૂરી પ્રશ્નો અને પ્રાથમિક અપેક્ષાઓમાં બન્ને એકબીજા માટે એકદમ ખરાં ઊતર્યાં એટલે લગ્ન નક્કી થઈ ગયાં. સગાઈ પછી ખુશ્બૂએ નોકરી બદલી એ પછીથી નાના-મોટા ઝઘડા શરૂ થયા. જે ચેતને કહ્યું હતું કે તેને તો ખૂબ ગમે કે તેની પત્ની નોકરી કરતી હોય એ જ ચેતન ખુશ્બૂની નોકરી માટે તેને પાછળ ખેંચવા લાગ્યો. તે તેને સમય નથી આપતી, તેનું ધ્યાન નથી રાખતી જેવી નાની ફરિયાદો ધીમે-ધીમે તેને મારી પડી જ નથી જેવી મોટી ફરિયાદોમાં બદલતી ચાલી એટલે બન્નેએ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ ટ્રાય કર્યું. ખુશ્બૂએ એવો આક્ષેપ મૂક્યો કે એક ટિપિકલ પુરુષની જેમ ચેતન તેને આગળ વધવા દેવા નથી માગતો. આવા વિચારોવાળા પુરુષને તે પરણવા નહોતી માગતી. કાઉન્સેલિંગ દરમિયાન સમજાયું કે ચેતન પછાત વિચારધારાને કારણે આવો નહોતો, નાનપણમાં તેનાં મા મૃત્યુ પામ્યાં હતાં. એક સ્ત્રીના પ્રેમ અને અટેન્શનને એ તરસતો હતો. એટલે તે નહોતો ઇચ્છતો કે ૧૨ કલાક તેની પત્ની કામ પર જતી રહે. તેનું જે વર્તન હતું એ ખોટું છે, પણ એ વર્તનના મૂળમાં રહેલી તેની તકલીફ સાચી છે. તેની તકલીફની કાળજી જો ખુશ્બૂ રાખે, તેને ભરપૂર પ્રેમ આપે તો એ ફરિયાદો ધીમે-ધીમે જતી રહેશે. તેના માટે તેને જૉબ છોડવાની નહીં, ચેતનને પોતાના પ્રેમનો વિશ્વાસ દેવડાવવાની જરૂર છે. બીજી તરફ ચેતને પોતાની ઇનસિક્યૉરીટીઝ પર કામ કરવું જરૂરી છે. ખુશ્બૂને ઘરમાં ગોંધી રાખીને તે તેનો પ્રેમ નહીં જીતી શકે એ રિયલિટીને સમજવાની તેને જરૂર છે. આ સંવાદ જ્યારે સધાયો ત્યારે બન્નેને લાગ્યું કે કદાચ તેઓ એકબીજાને સમજી નથી શક્યાં. જરૂરત અલગ થવાની નહીં, પણ સાચી સમજ કેળવવાની છે.
ADVERTISEMENT
કિસ્સો ૨ - ખુશી અને વિરાજ બન્ને મૅટ્રિમોનિયલ સાઇટ પર મળ્યાં અને બે મહિનાની અંદર નક્કી કરી લીધું કે લગ્ન કરીશું. ઘરના બધા ખૂબ ખુશ હતા. ધીમે-ધીમે ખુશીને લાગવા લાગ્યું કે તેને વિરાજ સાથે જીવવામાં મજા નથી આવતી. તે પોતે ખૂબ ફિલ્મી હતી. રોમૅન્ટિક પાર્ટનરને ઝંખતી હતી. તેને લાગતું કે સગાઈ પછી લાઇફ એકદમ ફૂલગુલાબી હોય. દરરોજ સવારે ઊઠીને વિરાજ તેને ફૂલ મોકલાવે, તેને સરપ્રાઇઝ ગિફ્ટ્સ મોકલે, દર રવિવારે તેના માટે રોમૅન્ટિક ડેટ-નાઇટ પ્લાન કરે, તેને જ્યારે પણ મળે ત્યારે ખાલી હાથ ન મળે જેવી અપેક્ષાઓ સાથે જીવતી ખુશી વિરાજને ખર્ચાળ લાગવા લાગેલી. વિરાજને ત્રણ હજાર રૂપિયાનું સૉફ્ટ ટૉય ખરીદીને પ્રેમ જતાવવાનું ગમતું નહીં. તેને ખુશી ગમતી. સગાઈ પછી તેણે તેની હેલ્થ પૉલિસી કરાવી, તેના માટે મ્યુચ્યુઅલ ફન્ડ ખોલી આપ્યાં; પણ આ બધામાં ખુશીને તેનો પ્રેમ દેખાતો નહીં. એક વખત ખુશીએ બધાની વચ્ચે વિરાજને વખોડ્યો અને એના જવાબમાં વિરાજે કહ્યું કે આટલી ઇમૅચ્યોર છોકરી જોડે તેને લગ્ન નથી કરવાં. આ બનાવ પછી તેમના મિત્રે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગની વાત કરી. કાઉન્સેલિંગ દરમિયાન ખુશીના અવાસ્તવિક વિચારોને એક વાસ્તવિક ચિત્રણ પૂરું પાડવામાં આવ્યું. લગ્ન અને એની જવાબદારીઓથી અવગત કરાવવામાં આવી. સામે પક્ષે રોમૅન્સ અને પ્રેમની અપેક્ષાઓ હોવી એ એકદમ સહજ બાબત છે એ વાત વિરાજને સમજાવવામાં આવી; આ નાની અને ક્ષુલ્લક દેખાતી બાબતોનો પણ એક ચાર્મ હોય છે જે સમય સાથે ઘટતો જાય છે. એ સ્પષ્ટતા પછી બન્ને કોશિશ કરી રહ્યાં છે કે પોતાના પાર્ટનરના પૉઇન્ટ ઑફ વ્યુને સમજી શકે.
એક સમય હતો જ્યારે અરેન્જ્ડ મૅરેજમાં પરિવારો મળતા અને લગ્ન નક્કી કરી લેતા. એના પછી ધીમે-ધીમે છોકરા-છોકરીનો મત લેવાનું શરૂ થયું. એ પછી બન્નેને લગ્ન પહેલાં એકબીજાને ૨-૪ વાર મળવા દેવાનું શરૂ થયું. એ પછી સગાઈ અને લગ્ન વચ્ચે ગૅપ રાખવાનું પણ લોકો પસંદ કરવા લાગ્યા જેનું એકમાત્ર કારણ હતું કે બન્ને એકબીજાને લગ્ન પહેલાં ઓળખી લે. જેટલું એકબીજાને ઓળખશે એટલું સારું. પરંતુ આ સમયગાળામાં એવું થવા લાગ્યું કે સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળા દરમિયાન બન્ને વચ્ચે સુમેળ ન સધાય, ઝઘડાઓ થાય, લગ્ન પણ કેટલાક સંજોગોમાં તોડી નાખવાં પડે. એટલે અમુક વડીલો કહેવા લાગ્યા કે આના કરતાં તો લગ્ન પહેલાં એકબીજાને નહોતાં મળતાં એ જ સારું હતું, પછી પડ્યું પાનું નિભાવી લેવાનું. જોકે આ માનસિકતા નવી જનરેશનની નથી. પ્રેમસંબંધ હોય કે પરણવાનું નક્કી થયું હોય, કોઈ પણ સંબંધની શરૂઆતના અમુક મહિનાઓ કે વર્ષો ઝઘડાઓ વધુ રહેવાના જ છે. ઘર્ષણ રહેવાનું જ છે. પણ શું કોઈ રીત છે જેને લીધે આ ઘર્ષણને એકબીજાને સમજવાની તકરૂપે જોઈ શકાય? કેટલાંક લગ્નજીવન, જે એકાદ વર્ષની અંદર જ ડિવૉર્સના દરવાજે પહોંચી જાય છે તેમને સમાજના લોકો એ જ કહે છે કે લગ્ન પહેલાં તમને આ ખબર નહોતી? લગ્ન પહેલાંની ગણીગાંઠી મુલાકાતોમાં, જેમાં સામાન્ય રીતે બધા જ એકબીજા સાથે સારી રીતે જ વર્તતા હોય છે, કઈ વ્યક્તિ ખરેખર કેવી છે એ કઈ રીતે સમજી શકાય? કોઈની સાથે ૨-૪ કે ૧૦-૧૨ કલાક પણ રહેતા હો, પણ જ્યાં સુધી એક છત નીચે તમે જીવન જીવવાનું શરૂ ન કરો ત્યાં સુધી એ વ્યક્તિને સમજવાની મુશ્કેલ છે. એમાં વર્ષો નીકળી જાય છે. એ વર્ષો નીકળે તો-તો વાંધો નથી, પરંતુ આવી વ્યક્તિ સાથે તો રહી જ ન શકાય એ વાત આવે ત્યારે પ્રૉબ્લેમ આવે છે. તો શું કોઈ રીત છે જેને કારણે આવા પ્રૉબ્લેમ ટાળી શકાય? નવી એજના પ્રૉબ્લેમ્સ જેમ નવા છે એમ એનાં સોલ્યુશન પણ નવાં છે. એવા જ એક સોલ્યુશનનું નામ છે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ.
૬-૮ સેશન
પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ લગભગ ૬-૮ સેશન્સનું હોય છે જેમાં મોટા ભાગનાં સેશન સાથે જ લેવામાં આવે છે, પણ જો કાઉન્સેલિંગ દરમિયાન લાગે કે છોકરી કે છોકરા બન્નેમાંથી કોઈને પર્સનલ સેશન્સની જરૂર છે તો એ લેવામાં આવે છે.
લગ્ન પહેલાં જ કાઉન્સેલિંગ
મૅરેજ-કાઉન્સેલિંગ આજે નવો શબ્દ નથી રહ્યો. એક સમય એવો હતો જ્યારે પતિ-પત્ની ઝઘડતાં તો તેમને ઘરના વડીલો જ સમજાવી દેતાં. હવે પતિ-પત્ની ઝઘડે કે તેમના સંબંધમાં કોઈ પણ તકલીફો હોય જે એ બન્નેથી સૉલ્વ ન થઈ રહી હોય તો તેઓ મૅરેજ-કાઉન્સેલર પાસે જાય છે. આજની તારીખે ઘણાં કપલ્સ કાઉન્સેલિંગ લેતાં હોય છે. એ ધીમે-ધીમે નૉર્મલ થતું જાય છે. પરંતુ લગ્ન પહેલાં જ કાઉન્સેલર પાસે પહોંચી જવાનું, જેને પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કહેવાય છે, એનો અર્થ શું? આ પ્રશ્નનો જવાબ આપતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ સોની શાહ કહે છે, ‘મૅરેજ-કાઉન્સેલિંગની જેમ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ પણ ધીમે-ધીમે પ્રચારમાં આવતું જાય છે. જ્યારે તમારાં લગ્ન નક્કી થઈ ગયાં હોય ત્યારે એકબીજાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ આ કાઉન્સેલિંગમાં થાય છે. કોવિડ પછી ખાસ રિલેશનશિપ પર જે અસરો દેખાઈ રહી હતી એ પછી લોકો લગ્નના નામે જ ગભરાવા લાગ્યા હતા. વધતો જતો ડિવૉર્સ-રેટ આજની પેઢીને ડરાવી રહ્યો છે ત્યારે પૂર આવ્યા પહેલાં પાળ બાંધવાની નીતિ અનુસરવા ખાતર લોકોને લાગી રહ્યું છે કે લગ્ન નામનું મોટું રિસ્ક લેતાં પહેલાં એ સામેવાળા પાત્ર સાથે તાદાત્મ્ય સાધી શકાય એમ છે કે નહીં એ જાણી લે જેમાં પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ ઘણું મદદરૂપ થઈ શકે છે.’
જાણકારી અને સમજ
પ્રી-મૅરેજ કાઉન્સેલિંગમાં જે કપલ છે એ બન્ને જણ સાથે જ કાઉન્સેલર પાસે જાય છે. એ પછીની પ્રોસેસ સમજાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર નેહા મોદી કહે છે, ‘બે વ્યક્તિઓ જ્યારે એકસાથે જોડાય તો બન્નેની એકબીજાથી અઢળક અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓ શું છે એ અમારી સામે અમે એકબીજાને જણાવવાનું કહીએ છીએ. એ અપેક્ષાઓ પર ચર્ચા કરીને તેઓ એકબીજાને સમજવાની કોશિશ કરે છે. સાઇકોલૉજી કહે છે કે દરેક વ્યકિતની એક લવ-લૅન્ગ્વેજ હોય. પ્રેમ તો બધા જ કરતા હોય, પણ પ્રેમને દર્શાવવાની રીત દરેકની જુદી-જુદી હોય. જેમ કે કોઈ પોતાના પ્રેમી માટે કવિતાઓ લખે તો કોઈ તાજમહલ બનાવે. પ્રેમ તો પ્રેમ જ છે પણ એને જતાવવાની રીત દરેક વ્યક્તિની જુદી-જુદી છે. આ પરિસ્થિતિમાં એ રીતને સમજવી જરૂરી છે. જ્યારે કપલ અમારી પાસે આવે ત્યારે અમે એક ફૉર્મ ભરાવીએ છીએ જેના વડે ખબર પડે કે આ વ્યક્તિની લવ-લૅન્ગ્વેજ શું છે. જો એ સમજાઈ જાય તો બે વ્યક્તિઓની અડધી તકલીફો જાતે દૂર થઈ જાય છે. જેમ કે એક વ્યક્તિ એવી છે જે ખૂબ જ કાળજી રાખે છે તમારી. એ કાળજી જ તેમની લવ-લૅન્ગ્વેજ છે પણ એ દિવસમાં ચાર વાર આઇ લવ યુ કહેતી નથી. હવે તેના પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ એવી છે કે જ્યાં સુધી બોલીને કે લખીને જતાવવામાં ન આવે ત્યાં સુધી તેને લાગતું જ નથી કે આ પ્રેમ છે. પરંતુ જ્યારે સમજ પડે કે આ જ તેની લવ-લૅન્ગ્વેજ છે ત્યારે સમજણ વધે છે અને એ વ્યક્તિ ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં એવી શંકાઓ દૂર થઈ તેનામાં વિશ્વાસ બેસે છે, જે લગ્ન માટે જરૂરી છે.’
કઈ રીતે મદદરૂપ?
બે વ્યક્તિઓએ સાથે જીવવાનું હોય એ બે વ્યક્તિએ એકબીજાની સાથે રહેતાં-રહેતાં એકબીજાને સમજવાનું હોય છે. એને જ સાયુજ્ય કહેવાય. તો પછી આ કાઉન્સેલિંગની શું જરૂર? ઝઘડાઓ તો થાય અને એ જ રીતે શિખાય અને એકબીજાને સમજાય. આ વાતની સ્પષ્ટતા કરતાં સોની શાહ કહે છે, ‘ભલે ઝઘડાઓ થાય પરંતુ એને કારણે વાત જ્યારે ખૂબ આગળ વધી જાય, એકબીજાને ખોટા સમજીને, અલગ થઈ જવા સુધી વ્યક્તિ પહોંચી જાય ત્યારે તકલીફ થાય છે. જો શરૂઆત જ ખોટી થાય તો એક સંબંધ આગળ વધવો મુશ્કેલ બને છે. શરૂઆતથી જ સ્પષ્ટતા હોય, સમજ ભલે ન હોય પણ સમજવાની પૂરેપૂરી દાનત હોય તો ભવિષ્ય જ નહીં, વર્તમાન પણ સરળ બની શકે છે. કોઈ પણ વ્યક્તિ જેવી છે એવી કેમ છે એ જાણીએ ત્યારે તેના અયોગ્ય વર્તનનું પણ અમુક પ્રકારનું જસ્ટિફિકેશન મળે છે. તેની વૅલ્યુ-સિસ્ટમ, તેની ફૅમિલી-હિસ્ટરી જાણીએ ત્યારે ખબર પડે કે તેની અંદર શું ધરબાયેલું છે. આ બધું વ્યક્તિને વધુ સારી રીતે સમજવા અને સ્વીકારવામાં મદદરૂપ થાય છે.’
પર્ફેક્ટ મૅચ કોઈ હોય નહીં, બનવું પડે
કાઉન્સેલિંગ દરમિયાન ખ્યાલ આવે કે વ્યક્તિ એવી છે જ નહીં જેવી આપણે ધારી હતી કે આપણને જોઈતી હતી તો શું કરવાનું? આ વાતનો જવાબ આપતાં નેહા મોદી કહે છે, ‘મિસમૅચ કપલ એ એક ભ્રમણા છે. એક માએ જન્મ આપેલાં જોડિયાં સંતાનો પણ એકસરખાં નથી હોતાં તો જીવનસાથી તો કઈ રીતે સરખાં હોય? બીજું એ કે જીવનસાથી માટેની કલ્પનાઓ અને વાસ્તવિકતામાં જેટલો ગૅપ ઓછો એટલા તમે સુખી, એટલે અવાસ્તવિક કલ્પનાઓ ન કરવી એ અમે કાઉન્સેલિંગમાં સમજાવીએ છીએ. કોઈ પણ બે વ્યક્તિ કમ્પૅટિબલ હોતા નથી, બનવું પડે છે. એ માટેની મહેનત દરેકે કરવાની હોય છે. એ માટે જરૂરી ઍડ્જસ્ટમેન્ટ તમારે કરવાં પડે છે. આ સમજ અમે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગમાં એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરીએ છીએ.’
ક્યારે જવું પ્રી-મૅરેજ કાઉન્સેલર પાસે?
નેહા મોદી પાસેથી સમજીએ કે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ ક્યારે કરવું જોઈએ?
- આમ તો લગ્ન પહેલાં દરેક દંપતીએ આ કાઉન્સેલિંગનો લાભ એક વખત લેવો જ જોઈએ જેથી એક યોગ્ય સમજણ સાથે દામ્પત્યજીવનની શરૂઆત થઈ શકે.
- જેમ મૅરેજમાં તકલીફ હોય તો જ કાઉન્સેલર પાસે જવાનું હોય, પરંતુ પ્રી-મૅરેજ સમયમાં તકલીફ હોય તો જ જવાનું એવું નથી હોતું. જો તમે જાતે માણસને સમજવાની શક્તિ અને ધીરજ ધરાવો છો તો વાંધો નથી પરંતુ એમ છતાં એકબીજાને વધુ સચોટ રીતે સમજવા માટે આ કાઉન્સેલિંગ મદદ કરે છે.
- એ સિવાય અમુક વાતો, જે તમે ખૂલીને તમારા પાર્ટનર સાથે કરી શકતા નથી એ કરવામાં પણ આ કાઉન્સેલિંગ તમારી મદદ કરે છે. જેમ કે ફાઇનૅન્શિયલ બાબતો કે સેક્સ-ઓરિએન્ટેશન.
- ડિવૉર્સ પાછળ મહત્ત્વનાં કારણોમાંનું એક કારણ બની જતા હોય છે છોકરા અને છોકરીના પરિવારજનો. આ કાઉન્સેલિંગમાં બન્નેના પરિવારનો તેમના સંબંધમાં શું અને કેટલો ફાળો રહેશે એની સ્પષ્ટતા પહેલેથી કરવામાં આવે છે.
- ઘણી વખત એવું થાય છે કે લોકો ઘણા ફેક હોય છે. લગ્ન પહેલાં ખોટી વાતો અને ખોટા વાયદાઓ કરતા હોય, પરંતુ પછી પાછળથી બદલાઈ જતા હોય છે. જો તમને જરા પણ ડાઉટ હોય તો કાઉન્સેલિંગ મદદ કરી શકે છે જેના વડે સમજી શકાય કે વ્યક્તિ કેટલી ફેક છે.
- જો તમને લાગે કે તમે લગ્ન માટે સજ્જ નથી તો એ સજ્જતા લાવવા માટે કાઉન્સેલિંગ મદદરૂપ છે.
- જો તમને તમારા લીધેલા નિર્ણય પર ડાઉટ થયા કરતો હોય કે મેં જે વ્યક્તિને જીવનસાથી બનાવવા માટે પસંદ કરી છે એ વ્યક્તિ ખરેખર મારે યોગ્ય છે કે નહીં તો કાઉન્સેલિંગ લઈ લેવું.

