ગૅન્ટ્રીબીમ હટાવવા માટે ૭૫૦ ટનની બે અને ૫૦૦ ટનની બે ક્રેન તેમ જ ૧૩૦ ટનની ક્ષમતાવાળી એક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો
રેલવે ટ્રૅક પરથી ગૅન્ટ્રીબીમને ખસેડી લેવા માટે પાંચ વિશાળ ક્રેનનો ઉપયોગ થયો હતો.
બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન રવિવારે રાતે ગુજરાતમાં અમદાવાદ–મુંબઈ રેલવે લાઇન પર બનેલી દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી ગૅન્ટ્રીબીમ હટાવવા મસમોટી પાંચ ક્રેન લાવીને ગઈ કાલે રાતભર કામગીરી કરીને રેલવે વ્યવહાર ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના અમદાવાદ ડિવિઝનના ગેરતપુર–વટવા સેક્શન નજીક નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડની વર્ક-સાઇટ પર રવિવારે રાતે ૧૧ વાગ્યે ચાલી રહેલી કામગીરી દરમ્યાન ગૅન્ટ્રીબીમ લપસીને રેલવે ટ્રૅક પર પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડના અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને તાકીદના ધોરણે રેલવે ટ્રૅક ફરી ચાલુ કરાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીમાં ગૅન્ટ્રીબીમ દૂર કરવા માટે ૭૫૦ ટનની બે અને ૫૦૦ ટનની બે ક્રેન તેમ જ ૧૩૦ ટનની ક્ષમતાવાળી એક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રેલવે ટ્રૅક પર પડેલી ગૅન્ટ્રી માટે લિફ્ટિંગની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે ટ્રૅક પરની ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરીને એની મરામત કરવામાં આવી હતી. રેલવે ટ્રૅક વ્યવસ્થિત થયા બાદ આ રેલવે ટ્રૅક પરથી પહેલી પૅસેન્જર ટ્રેન સાબરમતી એક્સપ્રેસ પસાર થઈ હતી અને ત્યાર બાદ ધીરે-ધીરે અન્ય ટ્રેન તેમ જ ગુડ્સ ટ્રેન પણ પસાર થઈ હતી.

