મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને સમીક્ષા કરી : અમદાવાદ પોલીસે ૧૬ કિલોમીટરના રથયાત્રાના રૂટ પરની સુરક્ષાનું કર્યું પ્રેઝન્ટેશન : આજથી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ
અમદાવાદના જગન્નાથ મંદિરમાં બની રહેલા માલપૂઆનો પ્રસાદ. (તસવીર : જનક પટેલ.)
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો શહેર પોલીસ તંત્ર ક્રાઉડ અલર્ટ અને ફાયર અલર્ટ માટે ઉપયોગ કરશે એટલું જ નહીં, રથયાત્રાને સફળ બનાવવા માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG) કક્ષાથી લઈને કૉન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ તેમ જ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), ચેતક કમાન્ડો અને રૅપિડ ઍક્શન ફોર્સની બટૅલ્યન સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા-કર્મચારીઓ ખડેપગે રહેશે. આજથી અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થશે. મંદિરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવ વિધિ, ધજારોહણ અને સાધુ-સંતો માટે ભંડારો યોજાશે.
અમદાવાદમાં આ વર્ષે નીકળનારી પરંપરાગત રથયાત્રા માટે પોલીસતંત્રની સજ્જતાને લઈને ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી જેમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ-કમિશનર જી. એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ સચિવો અને પોલીસ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા-બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમ જ પોલીસ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં ૧૬ કિલોમીટર લાંબા રૂટ પર નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને સલામતી માટે શહેર પોલીસ દ્વારા કરાયેલી તૈયારીને પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં બતાવ્યું હતું કે AIના ઉપયોગથી રથયાત્રાના રૂટ પર કોઈ સ્થળે વધુપડતા લોકો એકઠા થઈ ગયા હોય તો એનું સહેલાઈથી વ્યવસ્થાપન થઈ શકશે. આ ઉપરાંત ભીડને કાબૂમાં રાખી શકાશે અને અનિચ્છનીય ઘટના નિવારી શકાશે. આગની કોઈ ઘટના બનશે તો ત્યાં ફાયર-બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક બચાવ-રાહત માટે પહોંચી શકે એ માટે ફાયર અલર્ટ ઉપયોગી બનશે.
બૉડીવૉર્ન કૅમેરા અને ડ્રોન સહિત રથાયાત્રામાં સુરક્ષા-કર્મચારીઓ તહેનાત હશે
રથયાત્રામાં જોડાનારાં રથો, ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને મહંતની સુરક્ષા માટે આખા રૂટ પર પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેશે જેમાં ૪૫૦૦ પોલીસ-કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત ૨૨૭ કૅમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બૉડીવૉર્ન કૅમેરા, ૨૪૦ ધાબા પૉઇન્ટ, ૨૫ વૉચટાવર દ્વારા લાઇવ મૉનિટરિંગ થશે અને ૧૦૦૦ જેટલા જવાનો ટ્રાફિકના સંચાલનમાં રહેશે.
રથયાત્રાના ૧૬ કિલોમીટરના રૂટ પર આ વ્યવસ્થાને કારણે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખી શકાશે.
અમદાવાદ સહિત રાજ્યમાં ૨૧૩થી વધુ સ્થળોએ યોજાનારી રથયાત્રા ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઊજવાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જનભાગીદારી અને પોલીસતંત્રની સતર્કતા અને સુરક્ષા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થશે એવો વિશ્વાસ છે. - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

