પંજાબના લુધિયાણામાં ચરણજિત સિંહ મન્ટા નામના એક ભાઈનો ફતેહજંગ નામનો એક ઘોડો ૮ ઑક્ટોબરે ગુજરી ગયો
આ ઘોડો ૩૮ મહિના પહેલાં તેમને ત્યાં જન્મ્યો હતો
પંજાબના લુધિયાણામાં ચરણજિત સિંહ મન્ટા નામના એક ભાઈનો ફતેહજંગ નામનો એક ઘોડો ૮ ઑક્ટોબરે ગુજરી ગયો. આ ઘોડો ૩૮ મહિના પહેલાં તેમને ત્યાં જન્મ્યો હતો. જ્યારથી તે આવ્યો ત્યારથી તેમણે એ ઘોડાને દીકરાનો દરજ્જો આપીને રાખ્યો હતો. જોકે બે દીકરાઓ મોટા થઈને વિદેશ વસી ગયા હતા એટલે આ ઘોડો તેમના માટે પોતાના ત્રીજા દીકરા સમાન હતો. જોકે ૮ ઑક્ટોબરે ફતેહજંગ ગુજરી ગયો. ચરણજિત અને તેમનાં પત્ની બન્ને ગમગીન થઈ ગયાં. દીકરાને ગુમાવ્યાનું દુ:ખ જીરવી શકાય એવું નહોતું. એવામાં વિદેશથી તેમને દીકરાનો ફોન આવ્યો અને કહ્યું કે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. ચરણજિતને લાગ્યું કે ફતેહજંગ જ ઘરમાં પૌત્ર બનીને આવ્યો છે. બસ, પછી તો તેના આત્માની શાંતિ માટે તેમણે તમામ વિધિઓ કરાવી જે એક દીકરા માટે થાય. ગુરુદ્વારામાં અરદાસ કરાવી. સગાંસંબંધીઓએ ગુરુદ્વારામાં ફોટો મૂકીને એને પુષ્પાંજલિ આપી. આ માટે તેમણે કાર્ડ છપાવ્યાં અને મોહલ્લામાં સૌને નિમંત્રણ મોકલ્યું. ફતેહજંગ ગુજરી ગયો એનું કારણ જાણવા માટે પોસ્ટમૉર્ટમ પણ કરાવ્યું તો ખબર પડી કે અચાનક જ તેના આંતરિક અવયવો કામ કરતા બંધ થઈ ગયા હોવાથી આમ થયું હતું.

