ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ૧૩ વર્ષનો એક છોકરો એમ જ સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ પામ્યો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ૧૩ વર્ષનો એક છોકરો એમ જ સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ પામ્યો અને તેના પરિવારજનોને એના કારણની પણ ખબર ન પડી. મૂળે સીતાપુરમાં રહેતો વિવેક નામનો છોકરો તેના પરિવાર સાથે ગામથી ૮ દિવસ પહેલાં જ લખનઉ શિફ્ટ થયો હતો. વિવેકની બહેન અંજુનું કહેવું હતું કે વિવેક બુધવારે આખો દિવસ ઘરે એકલો જ હતો. તે આખો દિવસ ગેમ રમી રહ્યો હતો. જોકે સાંજે અંજુ ઘરે આવી ત્યારે વિવેક મોબાઇલની બાજુમાં પડ્યો હતો. મોબાઇલ પર ફ્રી-ફાયર ગેમ ચાલી રહી હતી. અંજુને થયું કે કદાચ ગેમ રમીને થાક્યો હશે એટલે સૂઈ ગયો છે. જોકે તેને થોડીક વાર પછી ઉઠાડવાની કોશિશ કરી તોય તે જાગ્યો નહીં એટલે તેણે તરત જ પેરન્ટ્સને બોલાવ્યા. વિવેકની બીજી બહેન ચાંદનીનું કહેવું હતું કે ભાઈને ફ્રી-ફાયર રમવાની એટલી લત હતી કે તે મોડી રાત સુધી મોબાઇલ પર એ જ રમતો રહેતો હતો. ગેમ માટે તે કોઈની સાથે વાત પણ નહોતો કરતો. કોઈ તેને ટોકે તો હાથમાં જે હોય એ ચીજો ફેંકીને ગુસ્સો કરતો. હવે તેના મૃત્યુનું કારણ શું છે એ સમજવા માટે પોલીસ મથી રહી છે.

