BKC અને વરલીમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ એરિયાઓને જોડતી બસોથી રોજ આૅફિસ જતા-આવતા પ્રવાસીઓ માટે યાત્રા સુગમ બનશે
ફીડર બસ
મુંબઈ મેટ્રો 3ના મુસાફરો માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ મોબિલિટી સ્ટાર્ટઅપ સિટીફ્લો સાથે પાર્ટનરશિપમાં એક્વા લાઇન માટે ડેડિકેટેડ ફીડર બસ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ શહેરનાં મેટ્રો સ્ટેશનો અને મુખ્ય કમર્શિયલ અને રેસિડેન્શિયલ એરિયાને જોડશે.
હાલમાં ફીડર બસો બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) અને વરલીમાં કાર્યરત છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી આ મહિનાના અંત સુધીમાં ફીડર બસ શરૂ થશે. પીક અવર્સ દરમ્યાન ૧૦ મિનિટના અંતરે બસો દોડાવાશે.
ADVERTISEMENT
BKCમાં ફીડર બસો નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE), જિયો ગાર્ડન, વન BKC અને ફૅમિલી કોર્ટ સહિતનાં મુખ્ય સ્ટેશનોને જોડશે. વર્લીમાં સેન્ચુરી મિલ્સ, વન ઇન્ડિયાબુલ્સ સેન્ટર, કમલા મિલ્સ અને પેનિનસુલા કૉર્પોરેટ પાર્ક જેવાં મુખ્ય બિઝનેસ સેન્ટરને જોડશે. CSMTથી શરૂ થયા પછી આ રૂટ ઓલ્ડ કસ્ટમ હાઉસ, લાયન્સ ગેટ, એસ. પી. મુખરજી ચોક, કે. સી. કૉલેજ અને ચર્ચગેટ મેટ્રો સ્ટેશનને જોડશે.
ફીડર બસમાં સિંગલ રાઇડનું ભાડું ૨૯ રૂપિયા છે અને માસિક પાસ ૪૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે. ટિકિટિંગ સંપૂર્ણપણે ડિજિટલ છે જે સિટીફ્લો ઍપ્લિકેશન અને મેટ્રોકનેક્ટ3 ઍપ્લિકેશન બન્ને દ્વારા કઢાવી શકાશે.

