પાલિતાણાના શત્રુંજય પર્વત પર યાત્રીઓ વચ્ચે અચાનક જ દેખાયો સાવજ, યુવક-યુવતીની પાછળ ચાલતો હતો, જોકે થોડી વારમાં ડુંગર ઊતરીને જતો રહ્યો
શુક્રવાર સવારની આ ઘટના છે
દિવાળીના પર્વમાં ધાર્મિકજનો દેવદર્શન કરવા જાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર યાત્રીઓની વચ્ચે ગઈ કાલે સવારે અચાનક સિંહ આવી ગયો હતો જેને લીધે યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સિંહ થોડું ચાલીને ડુંગરની સાઇડ પરથી નીચે જતો રહેતાં યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ પર્વત પર પહોંચી ગઈ હતી.
શત્રુંજય પર્વત પર યાત્રીઓ દર્શન કરવા જતા હતા એ વખતે અચાનક એક સિંહ આવી ગયો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિડિયોમાં સિંહ એક યુવક અને યુવતીની પાછળ-પાછળ શાંતિથી ચાલતો હતો. યુવકે પાછળ વળીને જોયું તો સિંહ તેની પાછળ આવતો હતો. એ યુવકે ગભરાયા વિના આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ સિંહની પાછળની સાઇડે પણ ઘણી મહિલાઓ અને બાળકો ચાલતાં હતાં. સિંહ આગળ વધતો હોવાથી યાત્રીઓમાં ગભરાટને કારણે થોડી દોડધામ મચી ગઈ હતી, પણ સિંહ આગળ વધીને પર્વતની સાઇડમાંથી નીચે ઊતરી ગયો હતો. સિંહ ચાલ્યો જતાં યાત્રીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક સિંહ આવી પડતાં ઘણા યાત્રીઓએ મોબાઇલમાં એનો વિડિયો કૅપ્ચર કર્યો હતો. સિંહ પાછળ આવતો હોય અને યાત્રીઓ વિડિયો ઉતારતા હોય એવાં દૃશ્યો વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળ્યાં છે.
ADVERTISEMENT
View this post on Instagram
પાલિતાણા રેન્જના ઇન્ચાર્જ રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (RFO) બી. આર. સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવાર સવારની આ ઘટના છે. યાત્રીઓ ઉપર જઈ રહ્યા હતા ત્યારે પગથિયાં પર સિંહ આવી ગયો હતો. અવારનવાર આવું બને છે અને સિંહ પગથિયાં ક્રૉસ કરીને જતો રહે છે. આ ઘટનાની જાણ થતાં અમારો સ્ટાફ પર્વત પર પહોંચી ગયો હતો. જોકે સિંહ ડુંગર પરથીની નીચેની તરફ ઊતરી ગયો હતો. શત્રુંજય તળેટી જંગલ-એરિયા છે અને ત્યાં છ-સાત સિંહો છે.’


