સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વિવાદાસ્પદ વિધાન કર્યા બાદ દ્વારકાના સ્વામીનારાયણ મંદિરના માધવ સ્વામીએ ભગવાન દ્વારકાધીશનો દ્રોહ થયો હોવાનું સ્વીકારીને માફી માગી : સ્વામીનારાયણના વડીલ સંતોએ વિડિયો પર ઍક્શન લેવાનો કર્યો નિર્ણય
માધવ સ્વામી
પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકાધીશ સામે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલા વિવાદાસ્પદ વિધાન અને પુસ્તકમાં લખેલા લખાણથી માલધારી સમાજ, આહિર સમાજ સહિતના સમાજો અને શ્રીકૃષ્ણ-ભક્તોમાં સ્વામીનારાણ સંપ્રદાયના સાધુઓ સામે રોષ ફાટી નીકળ્યા બાદ ગઈ કાલે દ્વારકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના માધવ સ્વામીએ ભગવાન શ્રી દ્વારકાધીશનાં શ્રીચરણોમાં માફી માગી હતી.
તાજેતરમાં સુરતમાં સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામીએ ભગવાન શ્રી દ્વારકાધીશ માટે વિવાદાસ્પદ વિધાન કર્યું હતું અને એ પહેલાં સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં પણ ભગવાન શ્રી દ્વારકાધીશના સ્થાનને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના કારણે શ્રીકૃષ્ણ ભગવાનના અસંખ્ય ભક્તોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ રોષને પગલે દ્વારકામાં સ્વામીનારાયણ મંદિરના માધવ સ્વામીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘હમણાં ઘણા સમયથી જે વિવાદ ચાલે છે, ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે ક્લિપો બાબતે વિવાદ ચાલે છે, ગૂગળી બ્રાહ્મણો વિશે વાત કરીને વિવાદ ચાલે છે. મારી જાણ પ્રમાણે અમારા સંપ્રદાયમાં આ બાબતે એક મીટિંગનું આયોજન થયું છે. વડીલ સંતોએ ભેગા થઈને એવો નિર્ણય કર્યો છે કે પહેલાં જે કોઈ વિડિયો થયા છે એના પર ઍક્શન લેવી અને ભવિષ્યમાં જો કોઈ આવી ભૂલ કરે તો તેના પર નક્કર પગલાં લેવાં.’ માધવ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે ‘પહેલાં અમારા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે, તેમનો જે કંઈ દ્રોહ થયો છે એ બાબતે હું ભગવાન શ્રી દ્વારકાધીશનાં શ્રીચરણોમાં સ્વામીનારાયણ સંપ્રદાય વતી કરબદ્ધ પ્રાર્થના કરીશ. ભગવાન શ્રી દ્વારકાધીશ બહુ દયાળુ છે. સાથે-સાથે ગૂગળી બ્રાહ્મણ વિશે જે કંઈ કહેવામાં આવ્યું એને કારણે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો સ્વામીનારાયણના સાધુ તરીકે ભગવાન શ્રી દ્વારકાધીશનાં શ્રીચરણોમાં ક્ષમાયાચના ચાહું છું.’

