પાંચ વર્ષમાં આવેલા ભારતીયોની સંખ્યા ૧૦૦ વર્ષમાં આવેલા ગ્રીક અને ઇટાલિયનોની સંખ્યા કરતાં પણ વધુ
ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વધતી સંખ્યાના વિરોધમાં કૅનબેરા, મેલબર્ન અને સિડની સહિત અનેક શહેરોમાં રૅલી યોજાઈ હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
રવિવારે ઑસ્ટ્રેલિયામાં માર્ચ ફૉર ઑસ્ટ્રેલિયા નામની રૅલીઓમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આ રૅલીઓનો હેતુ ઑસ્ટ્રેલિયામાં વધી રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો, પરંતુ સરકારે આ ઘટનાઓને નફરત અને નસ્લવાદ ફેલાવતી ગણાવીને કહ્યું કે એ નિયો-નાઝી જૂથો સાથે સંબંધિત છે.
ભારતીય સમુદાય નિશાન પર
ADVERTISEMENT
આ રૅલીઓના પ્રચારમાં ભારતીય મૂળના લોકોને સીધા નિશાન બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ત્રણ ટકાથી વધુ ભારતીયો છે. ૨૦૧૩ અને ૨૦૨૩ની વચ્ચે તેમની સંખ્યા બમણી થઈને લગભગ ૮.૪૫ લાખ થઈ ગઈ છે. એક નોંધમાં લખવામાં આવ્યું હતું કે પાંચ વર્ષમાં આવેલા ભારતીયોની સંખ્યા ૧૦૦ વર્ષમાં આવેલા ગ્રીક અને ઇટાલિયનોની સંખ્યા કરતાં વધુ છે. આ કોઈ પરિવર્તન નથી, પરંતુ સંપૂર્ણ રિપ્લેસમેન્ટ છે.
વિરોધ માટેની રૅલીના આયોજકોએ કહ્યું હતું કે આ ચળવળ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી. તેઓ એને ગ્રાસરૂટ લેવલનું અભિયાન કહી રહ્યા છે. તેમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે જેનાથી સમાજની એકતા તૂટી ગઈ છે. આયોજકોનું કહેવું છે કે તેઓ ફક્ત ઇમિગ્રેશન રોકવાની માગ કરી રહ્યા છે, પરંતુ સરકારે એને વિભાજનકારી એજન્ડા ગણાવ્યો છે.
રૅલીમાં ભાગ લેનારા ગ્લેન ઓલચિને કહ્યું હતું કે ‘આપણા દેશ પર બોજ વધી રહ્યો છે. આપણાં બાળકોને ઘર મળતાં નથી, તેમને હૉસ્પિટલોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે, રસ્તાઓ ટૂંકા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર સ્થળાંતર કરનારાઓને કેમ આમંત્રી રહી છે?’
સરકાર અને સંગઠનો તરફથી આકરી પ્રતિક્રિયા
આ સંદર્ભમાં ઑસ્ટ્રેલિયાના પ્રધાને કહ્યું હતું કે અમે સમાજને વિભાજિત કરતી અને નફરત ફેલાવતી આવી રૅલીઓને સમર્થન આપતા નથી. આ કાર્યક્રમો નિયો-નાઝી જૂથો દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઑફ સોશ્યલ સર્વિસે પણ આ રૅલીઓની ટીકા કરતાં એક નિવેદન જાહેર કર્યું છે. એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કૅસાન્ડ્રા ગોલ્ડીએ કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાની વિવિધતા અમારી તાકાત છે, ખતરો નથી. જાતિવાદ અને નફરત માટે અહીં કોઈ સ્થાન નથી. બીજી તરફ વિપક્ષી નેતા જુલિયન લીઝરે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે આ પ્રદર્શનોમાં ભારતવિરોધી અને યહૂદીવિરોધી સંદેશાઓ સ્પષ્ટપણે દેખાય છે.
૮૦૦૦ જેટલા લોકો રૅલીમાં જોડાયા
સિડનીમાં આ રૅલીમાં ૫૦૦૦થી ૮૦૦૦ લોકો એકઠા થયા હતા. નજીકમાં, રેફ્યુજી ઍક્શન કોએલિશન દ્વારા એક પ્રતિ-રૅલી યોજાઈ, જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો. કૅનબેરામાં સંસદ ભવનની સામે તળાવ કિનારે થોડાક લોકો એકઠા થયા. આ ઉપરાંત મેલબર્નમાં પણ એક રૅલી યોજાઈ, જ્યાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મરીના સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો. ક્વીન્સલૅન્ડમાં પૉપ્યુલિસ્ટ પાર્ટીના નેતા બૉબ કૅટર પણ એક રૅલીમાં જોડાયા.

