નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો નોબેલ પીસ પ્રાઇઝ માટેનો દાવો ન માન્યો, આમંત્રણ ફગાવ્યું, ફોન ન લીધા, લાલઘૂમ અમેરિકન પ્રેસિડન્ટ બદલો લઈ રહ્યા છે
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી ક્વૉડ સમિટ માટે ભારત આવવાના નથી એવી જાણકારી મળી રહી છે. શનિવારે ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ અહેવાલ આપ્યો હતો કે આ વર્ષના અંતમાં ક્વૉડ સમિટ માટે ભારતની મુલાકાત લેવાનું ટ્રમ્પનું હવે કોઈ આયોજન નથી.
‘ધ નોબેલ પ્રાઇઝ ઍન્ડ અ ટેસ્ટી ફોનકૉલ : હાઉ ધ ટ્રમ્પ-મોદી રિલેશનશિપ અનરેવેલ્ડ’ શીર્ષક હેઠળ છપાયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પે અગાઉ મોદીને કહ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ભારતની યાત્રા કરશે, પરંતુ હવે તેમણે એ વિચાર પડતો મૂક્યો છે. નવેમ્બરની આસપાસ નવી દિલ્હીમાં યોજાનારી ક્વૉડ સમિટ માટે ભારત ઑસ્ટ્રેલિયા, જપાન અને અમેરિકાના નેતાઓની યજમાની કરશે.
ADVERTISEMENT
આ દાવાઓ અંગે અમેરિકા કે ભારતીય સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.
મોદી-ટ્રમ્પના સંબંધ કેવી રીતે બગડ્યા?
‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના લેખમાં જણાવવામાં આવ્યું છે કે ‘મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસની લશ્કરી અથડામણમાં મધ્યસ્થી કરવાના ટ્રમ્પના વારંવારના દાવાઓ પછી ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના સંબંધો બગડ્યા હતા. ભારતે ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો હતો.’
લેખમાં કહેવામાં આવ્યું છે કે ૧૭ જૂને ફોન પર થયેલી વાતચીત દરમ્યાન ટ્રમ્પે ફરીથી કહ્યું કે તેઓ લશ્કરી સંઘર્ષનો અંત લાવવા બદલ કેટલો ગર્વ અનુભવે છે અને ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કરવા જઈ રહ્યું છે. એનો સ્પષ્ટ અર્થ એ હતો કે તેઓ મોદીને પણ આવું જ કરવા કહી રહ્યા છે. આનાથી નરેન્દ્ર મોદી નારાજ થયા હતા. તેમણે ટ્રમ્પને કહ્યું કે ‘તાજેતરના યુદ્ધવિરામનો અમેરિકાની સંડોવણી સાથે કોઈ સંબંધ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાટાઘાટો થઈ હતી.’
નોબેલ પ્રત્યે ટ્રમ્પનો જુસ્સો
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ‘ટ્રમ્પે મોટા ભાગે નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓને અવગણી હતી, પરંતુ નોબેલ પુરસ્કાર અંગે વાટાઘાટો કરવાના ઇનકારથી બેઉ નેતાઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી.
ટ્રમ્પ સજા કરવા માગે છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર વધારાની પચીસ ટકા ડ્યુટી લાદી છે. આ ભારત પર દંડ ટ્રમ્પને નારાજ કરવા માટેની સજા હોય એવું લાગે છે. ટૅરિફ વાટાઘાટોથી હતાશ થઈને ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો ઘણી વખત સંપર્ક કર્યો હતો, પરંતુ ભારતીય નેતાએ એ વિનંતીઓનો જવાબ આપ્યો નહોતો અથવા તેમનો ફોન ઉપાડ્યો નહોતો.’

