India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવો માહોલ; પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું, અમે પોતાને નુકસાન પહોંચાડવા માંગતા નથી
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારની ફાઇલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે (India-Pakistan Tension), શાંતિના સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર (Ishaq Dar)એ કહ્યું હતું કે, ‘જો ભારત પોતાનું વલણ નરમ કરશે, તો પાકિસ્તાન પણ નરમાઈ બતાવશે.’
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવો માહોલ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો ભારત રોકે છે, તો અમે પણ રોકવા માટે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન વધુ નુકસાન ઇચ્છતું નથી. જીઓ ન્યૂઝ (Geo News) સાથે વાત કરતા, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું, અમે પોતાને નુકસાન પહોંચાડવા માંગતા નથી. અમે વિનાશ અને પૈસાનો બગાડ ઇચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાન હંમેશા શાંતિ ઇચ્છતું રહ્યું છે અને જો ભારત આ સમયે રોકાય છે, તો અમે શાંતિ પર પણ વિચાર કરીશું અને બદલો લઈશું નહીં કે કંઈ કરીશું નહીં. અમે ખરેખર શાંતિ ઇચ્છીએ છીએ.
ADVERTISEMENT
આ સાથે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif)એ ન્યુક્લિયર કમાન્ડની બેઠક મુલતવી રાખવાની માહિતી આપી છે. પાકિસ્તાન તરફથી આ બધી પહેલ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા (United States Of America) અને ચીન (China)એ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શનિવારે કહ્યું હતું કે, જો ભારત વધુ હુમલા બંધ કરશે તો તેમનો દેશ તણાવ ઓછો કરવાનો વિચાર કરશે. જોકે, ઇશાક ડારે ચેતવણી આપી હતી કે જો ભારત કોઈ હુમલો કરશે તો, ‘અમે પણ જવાબ આપીશું.’
ડારે પાકિસ્તાનના જીઓ ન્યૂઝને જણાવ્યું હતું કે, બે કલાક પહેલા નવી દિલ્હી (New Delhi) સાથે વાત કર્યા પછી જ્યારે તેમણે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio)નો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ સંદેશ તેમને પણ પહોંચાડ્યો હતો. ડારે કહ્યું, ‘અમે જવાબ આપ્યો કારણ કે અમારી ધીરજ તેની હદ સુધી પહોંચી ગઈ હતી. જો તેઓ અહીં રોકાઈ જશે, તો અમે પણ રોકવાનું વિચારીશું.’
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અખબારી નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રી રુબિયોએ તણાવ ઘટાડવા અને સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવાના પોતાના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે, તણાવ ફક્ત વાતચીત દ્વારા જ ઓછો થવો જોઈએ.
નોંધનીય છે કે, શુક્રવારે, પાકિસ્તાને ફરી ૨૬ સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો.

