મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટના પાલક પ્રધાન આશિષ શેલારે કહ્યું કે ૪૦ ટકા ગાળ તો હજી નાળાંઓમાં જ છે
BMCના અધિકારીઓ સાથે નાળાસફાઈના કામનું નિરીક્ષણ કરી રહેલા આશિષ શેલાર અને મિહિર કોટેચા.
મુંબઈ સબર્બનના પાલક પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે અલગ-અલગ નાળાંઓની મુલાકાત લઈને એમાંથી કેટલો ગાળ કાઢવામાં આવી રહ્યો છે એની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે નાળામાંથી કાઢેલા ગાળનું જ્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એમાં ૪૦ ટકા જેટલી ગરબડ જણાઈ આવી છે. એથી તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરને ડેટા ઍનૅલિસિસ કરીને નાળાંની સફાઈ કરતા કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૧૦૦ ટકા કામ કરાવી લેવા જણાવ્યું હતું.
આશિષ શેલારે ગઈ કાલે સવારે ઘાટકોપર બસડેપો પાસે આવેલા લક્ષ્મીનગર નાળા, માહુલ નાળા, માહુલ ખાડી પરિસર અને ખારુ ખાડીના સફાઈકામનું નિરીક્ષણ કર્યું હતું. એ વખતે તેમની સાથે મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા, અન્ય નેતાઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
નાળામાં ગાળ અને પ્લાસ્ટિકનો કચરો હોવાનું જણાઈ આવ્યું હતું.
મુંબઈનાં નાળાંની સફાઈ દરમ્યાન નીકળતા ગાળનું માપ ટેક્નિકલ સપોર્ટથી કરવામાં આવે એવી માગણી આશિષ શેલારે કરી છે. એ બાબતે તેમણે અધિકારીઓને પૂછતાં તેમણે કહ્યું હતું કે આ વર્ષથી AI દ્વારા નાળામાંથી કાઢવામાં આવેલા ગાળ-કચરાને માપવામાં આવે છે. એ બાબતે વધુ માહિતી લેતાં જણાઈ આવ્યું હતું કે નાળામાંથી જે ગાળ નીકળે છે એ ટ્રક દ્વારા જ્યાં ઠાલવવામાં આવે છે એનું વિડિયો-શૂટિંગ કરવામાં આવે છે અને AIથી એનું સ્કૅનિંગ કરવામાં આવે છે. એમાં જણાઈ આવ્યું હતું કે ગાળ લઈ જનારી ટ્રકના કુલ ૪૦,૦૦૦ કરતાં વધુ ફેરા થયા હતા અને એમાંના ૪૦ ટકા એટલે કે ૧૭,૦૦૦ ફેરામાં ફેરફાર, ગરબડ જણાઈ આવ્યાં હતાં. એ ફેરફાર વધારે ગાળનો પણ હોઈ શકે કે ગાળ સિવાય કાટમાળ, માટીનો પણ હોઈ શકે. એથી એટલો ૪૦ ટકા ગાળ તો હજી નાળાંમાં જ હોવાનું જણાઈ આવ્યું હતું. એથી કૉન્ટ્રૅક્ટર દ્વારા અપાતા બિલ અને ગાળનું ઍનૅલિસિસ કરવામાં આવે અને કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૧૦૦ ટકા કામ લેવામાં આવે એ માટે તેઓ BMCને જરૂરી માહિતી આપીને ફૉલોઅપ પણ કરશે એમ આશિષ શેલારે જણાવ્યું હતું.
આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘માહુલ નાળાનું કામ માત્ર દસથી ૧૫ ટકા જેટલું જ થયું છે. નાળામાં બહુ જ મોટા પ્રમાણમાં ગાળ અને પ્લાસ્ટિકનો કચરો એકઠો થયેલો છે. નાળાની ફરતે ભીંત પણ બાંધવામાં આવી નથી એટલે એ કામ પણ વહેલી તકે શરૂ કરવામાં આવે.’
ખારુ ક્રીકનું સફાઈકામ તો ચાલુ જ નથી કરવામાં આવ્યું.

