કાંદિવલીથી ગુમ થયેલો શિવા બોરીવલીમાં મળ્યો : જે પ્રાણીપ્રેમીએ શોધ્યો તેણે ઇનામ લેવાનો ઇનકાર કર્યો
શિવા મળી આવ્યા બાદ મૃણાલ મીરાણી સાથે.
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી રાજ ગાર્ડન સોસાયટી નજીકથી ૧૦ દિવસ પહેલાં ગુમ થયેલો શિવા નામનો શ્વાન ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે બોરીવલીની ડૉન બૉસ્કો સ્કૂલ નજીકથી પ્રાણીપ્રેમી જય ઘગડાને મળી આવ્યો હતો. જય ઘગડા પણ પ્રાણીપ્રેમી હોવાથી શિવા ગુમ થયો હોવાની માહિતી તેને મળી હતી. ગઈ કાલે જય બોરીવલીની ડૉન બૉસ્કો સ્કૂલ નજીકથી કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેણે એક જ નજરમાં શિવાને ઓળખી લીધો હતો. ત્યાર બાદ તાત્કાલિક તેણે વિડિયો-કૉલ કરીને શિવા માટે ઇનામ જાહેર કરનારા મૃણાલ મીરાણીને જાણ કરી હતી. એ પછી જય શ્વાનને કાંદિવલી લઈ ગયો હતો. જય પણ ઍનિમલ-લવર હોવાથી તેણે ૨૫,૦૦૦ રૂપિયાનો રિવૉર્ડ લેવાનો ઇનકાર કર્યો હતો. ૧૦ દિવસ બાદ મળી આવેલા શિવાને જોઈને પ્રાણીપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.
મારા અને મારા જેવા ઍનિમલ-લવર જેઓ શિવાને છેલ્લા ૧૦ દિવસથી અલગ-અલગ વિસ્તારમાં શોધી રહ્યા હતા તેમને માટે ગઈ કાલનો દિવસ દિવાળી કરતાં ઓછો નહોતો એમ જણાવતાં મૃણાલ મિરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે મારા મિત્ર જયે મને ફોન કરીને શિવા જેવો ડૉગી દેખાયો હોવાની માહિતી આપી હતી. એ પછી મેં તેને તાત્કાલિક વિડિયો-કૉલ કરીને ડૉગીને દેખાડવા કહ્યું હતું. વિડિયો-કૉલમાં મેં શિવા-શિવા બૂમ પાડી એટલે ખૂબ પ્રેમાળ નજરથી શિવાએ મારી સામે જોયું હતું. એ શિવા હોવાની ખાતરી થતાં મેં જયને તેની કારમાં જ એને કાંદિવલી લઈ આવવા કહ્યું. ૬ વાગ્યે એ કાંદિવલી મારી સોસાયટી નજીક પહોંચ્યો ત્યારે મને જોઈને તરત મારી પાસે દોડી આવ્યો હતો. એને જોઈને મારો પરિવાર અને મારા જેવા બીજા પ્રાણીપ્રેમીઓ રાજી-રાજી થઈ ગયા હતા. જાણે વર્ષો બાદ એ અમને મળ્યો હોય એવી ભાવના અમારા મનમાં જાગી હતી એટલે સૌથી પહેલાં મેં એને હગ કરી લીધું હતું. ત્યાર બાદ એને મેં એને ખવડાવ્યું હતું. શિવાને શોધી આપનાર માટે મેં ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, પણ જય ઘગડાએ રૂપિયા લેવાનો ઇનકાર કર્યો હતો.’

