પાછલાં વર્ષોમાં ભારત-ચીન વચ્ચે તનાવપૂર્ણ સંબંધોને લીધે ૭ વર્ષ પછી વડા પ્રધાને ચીનની મુલાકાત લીધી છે
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે જપાનયાત્રા પૂરી કરીને ચીનની મુલાકાતે પહોંચ્યા હતા. પાછલાં વર્ષોમાં ભારત-ચીન વચ્ચે તનાવપૂર્ણ સંબંધોને લીધે ૭ વર્ષ પછી વડા પ્રધાને ચીનની મુલાકાત લીધી છે. ચીનના ટિઆનઝિન શહેરમાં ઊતરતાં જ વડા પ્રધાનનું રેડ કાર્પેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ભારતીય સમુદાયના લોકોએ પણ તેમને ઉત્સાહથી આવકાર્યા ત્યારે વડા પ્રધાને બે ઘડી બાળકો સાથે ગમ્મત કરી હતી. ૩૧ ઑગસ્ટે નરેન્દ્ર મોદી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની સમિટમાં ભાગ લેશે. સમિટની સાથે-સાથે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત પણ કરશે.
નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં ચીનના દૂતાવાસે ગણપતિની પ્રાચીન તસવીરો પોસ્ટ કરી-ગણપતિબાપ્પા ચીનમાં પણ સદીઓથી બિરાજમાન છે
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત પહેલાં ભારતમાં ચીની દૂતાવાસે બેઉ દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો દર્શાવતી એક પોસ્ટ શૅર કરી હતી. ભારતમાં હાલમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ચીની દૂતાવાસે ચીનના તાંગ રાજવંશ અને મોગાઓ ગુફાઓમાં મળી આવેલી ગણેશજીની તસવીરો આ પોસ્ટમાં શૅર કરી હતી. આ સંદર્ભમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ગણેશની તસવીરો ચીનના તાંગ રાજવંશ અને મોગાઓ ગુફાઓમાં પણ જોવા મળી શકે છે! આ મૂર્તિઓ ચીન અને ભારતના સાંસ્કૃતિક જોડાણની યાદ અપાવે છે. સદી પહેલાં બન્ને દેશોએ કલા, આસ્થા અને સંસ્કૃતિનું આદાનપ્રદાન કર્યું હતું એનું સુંદર સ્મરણ આ તસવીરો અપાવે છે.’

