બે મહિના પહેલાં ચીન જે પહલગામ હુમલાના ઉલ્લેખ માટે તૈયાર નહોતું એની હવે નિંદા કરી અને કહ્યું, આતંકવાદ સામે આપણે સાથે મળીને લડીશું
ગઈ કાલે ચીનમાં સમિટ દરમ્યાન સભાસ્થળની બહાર નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ હળવા મૂડમાં ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
કી હાઇલાઇટ્સ
- નરેન્દ્ર મોદીની પુતિન અને જિનપિંગ સાથેની કેમિસ્ટ્રી આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની
- અમેરિકાની સાન ઠેકાણે આવતાં મીટિંગના દિવસે જ ભારતને નિર્ણાયક ગણાવ્યું
- શાંઘાઈ કો-આૅપરેશન આૅર્ગેનાઇઝેશનની સમિટમાં પહલગામ અટૅકના મુદ્દે તમામ દેશો ભારતના પડખે
અમેરિકાના નવારોનો લવારોઃ રશિયાનું પેટ્રોલ ખરીદી માત્ર ભારતના બ્રાહ્મણો કમાઈ રહ્યા છે
શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના સભ્યોએ સોમવારે ચીનના તિયાનજિનમાં તેમના સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આતંકવાદી હુમલાની સામૂહિક નિંદા કરી છે જે ભારત માટે એક મોટી રાજદ્વારી જીત છે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે સભ્યદેશો બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે.
ADVERTISEMENT
આ ઘોષણાપત્ર આતંકવાદી અને આતંકવાદી ધમકીઓનો સામનો કરવામાં સાર્વભૌમ દેશો અને તેમના સક્ષમ અધિકારીઓની અગ્રણી ભૂમિકાને પણ માન્યતા આપે છે. સભ્યદેશો આતંકવાદને એનાં તમામ સ્વરૂપો અને પ્રકારમાં સખત નિંદા કરે છે અને ભાર મૂકે છે કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડાં ધોરણ અસ્વીકાર્ય છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદીઓની સરહદપારની હિલચાલ સહિત આતંકવાદનો સામનો કરવા હાકલ કરે છે.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાને અવગણવાને લીધે SCO સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર નહોતા કર્યા અને વૉકઆઉટ કર્યું હતું એના બે મહિના પછી આ ઘટના ભારત માટે મોટી જીત ગણાઈ છે.
તિયાનજિન સમિટમાં પહલગામ હુમલાની નિંદાનો સમાવેશ આતંકવાદ સામે ભારતના મક્કમ અને સક્રિય વલણની માન્યતા તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે. અગાઉ ભારતે આતંકવાદને સંબોધવા વિશે ચીન અને પાકિસ્તાન સાથેના મતભેદોને કારણે SCO સંરક્ષણ પ્રધાનોના નિવેદનમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં તેમના સંબોધનમાં આતંકવાદથી લઈ સાર્વભૌમત્વ સુધીના અનેક મુદ્દાઓને આવરી લીધા હતા.
સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં પહલગામ આતંકવાદી હુમલાને અવગણવાને કારણે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે SCO સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યાના બે મહિના પછી તિયાનજિનમાં નેતાઓની બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં SCO માટે ભારતના દૃષ્ટિકોણના પાયામાં S એટલે કે સિક્યૉરિટી, C એટલે કનેક્ટિવિટી અને O એટલે કે ઑપોર્ચ્યુનિટીની વાત કરી હતી. સિક્યૉરિટી સાથે તેમણે સમગ્ર વિશ્વને આતંકવાદ સામેની લડાઈમાં એકસાથે આવવા આહ્વાન કર્યું હતું. એમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કનેક્ટિવિટી વિશે વાત કરતાં તેમણે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારવા ભારતે શરૂ કરેલા કૉરિડોર અને અન્ય પ્રોજેક્ટ્સની વાત કરી હતી. એ દરમ્યાન તેમણે ચીનને પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે કનેક્ટિવિટીના પ્રયાસમાં અન્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો જરૂરી છે અને કનેક્ટિવિટીના પ્રયાસ જો કોઈ દેશના સાર્વભૌમત્વને બાયપાસ કરે છે તો એ વિશ્વાસ અને અર્થ ગુમાવે છે.
નરેન્દ્ર મોદીએ SCO દેશના લોકો વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા માટે એક સભ્યતા સંવાદ મંચ બનાવવાનું પણ સૂચન કર્યું હતું જેના દ્વારા SCOના દેશો પરસ્પરની પ્રાચીન સભ્યતા, કલા, સાહિત્ય અને પરંપરાને વૈશ્વિક પ્લૅટફૉર્મ પર શૅર કરી શકશે.
પુતિને નરેન્દ્ર મોદી માટે ૧૦ મિનિટ રાહ જોઈ, બન્ને એક જ કારમાં સાથે આવ્યા
ચીનના તિયાનજિનમાં તેમની દ્વિપક્ષીય બેઠક માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન એક જ કારમાં સાથે બેસીને બેઠકના સ્થળ પર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી માટે પુતિને ૧૦ મિનિટ સુધી રાહ જોઇ હતી, ત્યારબાદ બન્ને નેતાઓ ગાડીમાં પણ લાંબી વાતચીત કરી હતી. બન્ને નેતાઓ SCO સમિટ માટે ચીનમાં છે. નરેન્દ્ર મોદીએ પુતિન સાથેની તેમની મુલાકાતની તસવીરો શૅર કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનને મળવું હંમેશાં આનંદદાયક રહે છે. પુતિને યુક્રેનમાં સંકટ ઉકેલવામાં ભારતના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
SCO સમિટમાં વિશ્વના નેતાઓને વડા પ્રધાને શો સંદેશ આપ્યો?
SCO પ્રત્યે ભારતની વિચારસરણી અને નીતિ ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે ઃ S = સિક્યૉરિટી, C = કનેક્ટિવિટી, O = ઑપોર્ચ્યુનિટી.
આતંકવાદ ફક્ત કોઈ એક દેશની સુરક્ષા માટેનો પડકાર નથી, સમગ્ર માનવતા સામેનો પડકાર છે.
કોઈ દેશ, કોઈ સમાજ કે કોઈ નાગરિક એમ ન સમજે કે તે આતંકવાદ સામે સુરક્ષિત છે, એટલે જ આતંકવાદ સામેની લડાઈમાં ભારતે એકતા પર ભાર મૂક્યો છે.
ભારતે ‘અલ-કાયદા’ અને એની સાથે સંકળાયેલાં આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે. અમે કટ્ટરપંથી જૂથો સામે સંકલન વધારવા અને સંયુક્ત પગલાં લેવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. અમે ટેરર ફાઇનૅન્સ સામે અવાજ ઉઠાવ્યો છે.
ભારત છેલ્લા ચાર દાયકાથી ક્રૂર આતંકવાદનો ભોગ બની રહ્યું છે. તાજેતરમાં પહેલગામમાં આતંકવાદનું ખૂબ ઘૃણાસ્પદ સ્વરૂપ સમગ્ર વિશ્વએ જોયું હતું. આ હુમલો માત્ર ભારતના અંતરાત્મા પર પ્રહાર નહોતો, એ દરેક દેશ અને માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો.
શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય હોઈ શકે?
આતંકવાદ પર કોઈ પણ બેવડાં ધોરણ સ્વીકાર્ય નહીં હોય. કનેક્ટિવિટી વધારવાના દરેક પ્રયાસમાં અન્ય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો જોઈએ.
આજે ભારત ‘રીફૉર્મ, પર્ફોર્મ ઍન્ડ ટ્રાન્સફૉર્મ’ના સૂત્ર પર આગળ વધી રહ્યું છે. કોવિડ હોય કે વૈશ્વિક આર્થિક અસ્થિરતા, અમે દરેક પડકારને તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે.
SCOએ પરસ્પર સહયોગથી સમય પ્રમાણે જેમ સુધારા કર્યા છે એમ આપણે સાથે મળીને યુનાઇટેડ નેશન્સ (UN)માં પણ સુધારા કરાવવા હાકલ કરી શકીએ છીએ.
નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિનને શું કહ્યું?
આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ભારત-રશિયાની ૨૩મી શિખર સમિટ માટે ૧૪૦ કરોડ ભારતીયો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારત અને રશિયા હંમેશાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે. આપણો ગાઢ સહયોગ ફક્ત બન્ને દેશના લોકો માટે જ નહીં; વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્ત્વનો છે.
ભારત તમામ શાંતિ-પ્રયાસોનું સ્વાગત કરે છે. અમને આશા છે કે બધા પક્ષો સાથે મળીને શક્ય એટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપવા માટે રસ્તો શોધશે.
આ સંઘર્ષનો અંત આવે એ સમગ્ર માનવતાનું આહ્વાન છે.
ટ્રમ્પનો દાવો : ભારતે અમેરિકાને ઝીરો ટૅરિફની આૅફર આપી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારત અમેરિકાને ભરપૂર માલસામાન વેચે છે પણ ખૂબ ઓછી ચીજવસ્તુઓ આપણી પાસેથી ખરીદે છે. આ એકતરફી વિનાશ જેવી સ્થિતિ છે એટલું જ નહીં, ભારત એનું મોટા ભાગનું તેલ અને મિલિટરી પ્રોડક્ટ્સ રશિયા પાસેથી ખરીદે છે, આપણી પાસેથી ખૂબ ઓછું ખરીદે છે. છેક હવે ભારત અમેરિકાની ચીજવસ્તુઓ પરની ટૅરિફને ઝીરો કરવા તૈયાર થયું છે, પણ આ માટે ઘણું મોડું થઈ રહ્યું છે. ભારતે આ કામ તો વર્ષો પહેલાં કરી દેવાની જરૂર હતી.
મોદી-પુતિન મુલાકાત પહેલાં અમેરિકાએ વલણ બદલ્યું, કહ્યું...
અમેરિકા-ભારતના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે
ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ટીમના એક મુખ્ય સાથીએ ભારત અને અમેરિકાના સંબંધોને ૨૧મી સદીનો નિર્ણાયક સંબંધ ગણાવ્યો હતો.
SCO શિખર સંમેલનમાં રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે ભારતના વડા પ્રધાનની મુલાકાતની થોડી મિનિટો પહેલાં અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ મહિને ભારત અને અમેરિકા પ્રગતિ અને શક્યતાઓને આગળ લઈ જતું નવું કૅમ્પેન લૉન્ચ કરી રહ્યાં છે. નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો સુધી ભારત અને અમેરિકા વચ્ચે સ્થાયી મિત્રતા છે જે બન્નેની સામૂહિક યાત્રાને વેગ આપે છે.’

