KEM હૉસ્પિટલમાં મૃત્યુ પછી બે દરદીઓની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી એને પગલે કોવિડના ૮ દરદીને સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા
ઍક્ટ્રેસ શિલ્પા શિરોડકર
KEM હૉસ્પિટલમાં મૃત્યુ પછી બે દરદીઓની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી એને પગલે કોવિડના ૮ દરદીને સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા : જીવ ગુમાવનારા લોકોની અંતિમક્રિયા કોવિડના પ્રોટોકૉલ પ્રમાણે પરિવાર વિના કરવામાં આવી : BMC કહે છે કે પૅનિક થવાની જરૂર નથી
પરેલમાં આવેલી KEM હૉસ્પિટલમાં બે દરદીઓ મૃત્યુ પછી કોવિડ પૉઝિટિવ આવતાં આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડના ૮ દરદીઓને અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં રવિવારે રાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે ૫૯ વર્ષનાં દરદી વૈજયંતી વારિક અને શનિવારે ૧૪ વર્ષની એક કિશોરીના બીજી ગંભીર બીમારીથી મૃત્યુ થયાં હતાં. મરણોપરાંત તેમની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.
ADVERTISEMENT
KEM હૉસ્પિટલના ઍક્ટિંગ ડીન ડૉ. સંદેશ પરાળકરે કહ્યું હતું કે ‘૫૯ વર્ષનાં કૅન્સરગ્રસ્ત દરદી વૈજયંતી વારિકનું મૃત્યુ સેપ્સિસ થવાને લીધે અને ૧૪ વર્ષની કિશોરીનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું હતું. બન્ને દરદીને જીવલેણ બીમારી હતી. મૃત્યુ પછી તેમની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવા છતાં તેમનાં મૃત્યનું કારણ કોરોના વાઇરસ નહોતું.’
કોવિડ પૉઝિટિવ બે દરદીનાં મૃત્યુ થયાં હોવા છતાં તેમના ફૅમિલી અને મેડિકલ સ્ટાફમાંથી કોઈની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ નથી આવી. જોકે આમ છતાં સાવચેતીરૂપે અત્યારે KEM હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ પૉઝિટિવના ૮ દરદીને સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ૮ દરદીને ICUમાં દાખલ કરીને તેમના પર બારીક નજર રાખવામાં આવી રહી છે.
પરિવાર વિના અંતિમક્રિયા
વૈજયંતી વારિકના સંબંધીએ કહ્યું હતું કે તેમની પાંચમી ફેબ્રુઆરીએ માઉથ કૅન્સરની સર્જરી કરવામાં આવ્યા બાદ પુત્ર તેમને હવાફેર માટે મુંબઈ લઈ આવ્યો હતો. મંગળવાર રાત સુધી તેમની તબિયત સારી હતી. ત્યાર બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં તેમને KEM હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યાં હતાં. વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા બાદ તબિયતમાં સુધારો થયો હતો, પણ પછી અચાનક શનિવારે રાત્રે તબિયત બગડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર મૃતદેહ લેવા માટે ગયો હતો ત્યારે હૉસ્પિટલના સ્ટાફે કહ્યું કે વૈજયંતીની કોવિડની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી એટલે તેમની અંતિમક્રિયા કોવિડના પ્રોટોકૉલ મુજબ થશે એથી કોઈ ફૅમિલી મેમ્બરને જવા દેવામાં નહીં આવે.
આવી જ રીતે ૧૪ વર્ષની કિશોરીની અંતિમક્રિયા પણ કોવિડના પ્રોટોકૉલ મુજબ પરિવારને તેનો મૃતદેહ સોંપ્યા વિના કરવામાં આવી હતી.
પ્રાઇવેટ હૉસ્પિટલમાં પણ કોવિડના કેસ નોંધાયા
KEM હૉસ્પિટલ ઉપરાંત કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. આ વિશે સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ક્રિટિકલ કૅર ડિપાર્ટમેન્ટના ડૉ. રાહુલ પંડિતે કહ્યું હતું કે ‘મહામારી જેવી ભયાનક સ્થિતિ નથી. આ સીઝનમાં દરદીઓનો વધારો થાય છે. OPDના દરદીઓમાં તાવ અને કફ ઉપરાંત કોવિડના પૉઝિટિવ કેસ પણ નોંધાઈ રહ્યા છે. જોકે આ દરદીઓ એક-બે દિવસ ઘરમાં જ આઇસોલેટ થઈને ઠીક થઈ રહ્યા છે.’
ઍક્ટ્રેસ શિલ્પા શિરોડકર કોરોના-પૉઝિટિવ
થોડા સમય પહેલાં સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બૉસ’માં જોવા મળેલી શિલ્પા શિરોડકરને કોરોના થયો છે. શિલ્પાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ માહિતી શૅર કરી છે. શિલ્પાએ કોરોનાવાઇરસથી સંક્રમિત થવાની માહિતી આપતી પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘હેલો, હું કોરોનાવાઇરસથી સંક્રમિત થઈ છું. તમારું ધ્યાન રાખો અને માસ્ક જરૂર પહેરજો.’
મળતી માહિતી પ્રમાણે શિલ્પાને અત્યારે તાવ આવી રહ્યો છે અને તે આરામ કરી રહી છે.
શિલ્પા શિરોડકરે જેવી કોરોના-સંક્રમિત હોવાની માહિતી સોશ્યલ મીડિયા પર આપી કે તરત તેના નજીકના મિત્રો અને ચાહકોએ તે ઝડપથી સાજી થઈ જાય એવી શુભેચ્છા આપી છે.
મહારાષ્ટ્રમાં કોવિડના ૫૬ દરદી
ભારતમાં અત્યારે કોવિડના કુલ ૨૫૭ દરદી નોંધાયા છે. આમાં સૌથી વધુ ૯૫ કેસ કેરલામાં, ૬૬ દરદી તામિલનાડુમાં અને ૫૬ દરદી મહારાષ્ટ્રમાં હોવાનું જાણવા મળ્યું હતું. બાકીનાં રાજ્યોમાં એકલ-દોકલ મામલા છે. મહારાષ્ટ્રના કોવિડના ૫૬ દરદીમાંથી ૫૩ મામલા એકલા મુંબઈમાં છે.
-રિતિકા ગોંધળેકર

