વન્દે માતરમ્ને કારણે ધાર્મિક લાગણી દુભાવાનું કહીને અબુ આઝમીએ એ ગાવાનો ઇનકાર કર્યો હોવાથી આ વિવાદ ઊભો થયો છે.
BJPના વરિષ્ઠ નેતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના પ્રમુખ અબુ આઝમીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અમીત સાટમના ‘વન્દે માતરમ્’ના સામૂહિક ગાનનું આમંત્રણ નકારી કાઢ્યા બાદ BJPના નેતાઓ અને કાર્યકરો ગઈ કાલે અબુ આઝમીના બાંદરાના ઘરની બહાર એકઠા થયા હતા અને એકસાથે ‘વન્દે માતરમ્’ ગાયું હતું.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને રાજ્યકક્ષાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા સહિત BJPના વરિષ્ઠ નેતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભીડ વધી જવાને કારણે વધારાનો પોલીસ-બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો અને અનિચ્છનીય બનાવ ટાળી શકાય એ માટે બૅરિકેડ્સ ગોઠવવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
‘વન્દે માતરમ્’ને કારણે ધાર્મિક લાગણી દુભાવાનું કહીને અબુ આઝમીએ એ ગાવાનો ઇનકાર કર્યો હોવાથી આ વિવાદ ઊભો થયો છે. BJP કાર્યકરોએ તેમના ઘરની બહાર ‘વન્દે માતરમ્’ના નારા લગાવ્યા એની પ્રતિક્રિયા આપતાં અબુ આઝમી કહ્યું હતું કે ‘તમે કોઈને બળજબરીથી કંઈક વાંચવા માટે મજબૂર કરી શકતા નથી. જે વ્યક્તિ ફક્ત અલ્લાહમાં માને છે અને પોતાની માતાની પણ પૂજા નથી કરતો તે બીજા કોઈની પૂજા નહીં કરે. એટલે જેણે ગાવું હોય એ ગાય.’
આ પહેલી વાર નથી બન્યું જ્યારે અબુ આઝમીએ આ મુદ્દા પર વિવાદ ઊભો કર્યો હોય. ૨૦૨૩માં તેમણે ઔરંગાબાદમાં એક રૅલી દરમ્યાન રાષ્ટ્રીય ગીત ગાવાનો વિરોધ કર્યો હતો, ત્યારે પણ આવી જ ટીકા થઈ હતી.


