નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ઇફ્તાર પાર્ટીમાં કહ્યું... મુસ્લિમ ભાઈ-બહેનને આંખ દેખાડનારા અને બે જૂથને લડાવનારા લોકોને બક્ષવામાં નહીં આવે
શુક્રવારે મરીન લાઇન્સમાં આયોજિત ઇફ્તાર પાર્ટીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર.
નાગપુરમાં ગયા સોમવારે મુસ્લિમોના ટોળાએ હિન્દુઓને ટાર્ગેટ કરીને રમખાણ કર્યા બાદથી માહોલ ગરમ છે ત્યારે મરીન લાઇન્સ વિસ્તારમાં શુક્રવારે સાંજે યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુસ્લિમ સમાજના લોકોની મુલાકાત વખતે કહ્યું હતું કે ‘રમઝાનનો પવિત્ર મહિનો તમારા જીવનમાં સુખ, શાંતિ અને ખુશી લાવે. આ મહિનો માત્ર રોઝા રાખવાનો નહીં પણ સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો પણ છે. ભારત અનેકતામાં એકતાનું પ્રતીક છે. છત્રપતિ શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફુલે અને શાહુ મહારાજે કાયમ સમાજને એકતાંતણે બાંધીને વિકાસનો રસ્તો બતાવ્યો હતો. આપણે પણ આ જ રસ્તા પર ચાલવાનું છે. ભારતની એકતાને તોડનારાઓની જાળમાં આપણે ફસાવું ન જોઈએ. આપણે હોળી મનાવી, ગુઢીપાડવા અને ઈદ આવવાનાં છે. આ તહેવારો આપણે સાથે મળીને મનાવવાના છે. આપણે બધાએ આ તહેવારો સાથે મળીને મનાવવા જોઈએ, કારણ કે એકતા જ આપણી અસલી તાકાત છે. જો કોઈ પણ મુસ્લિમ ભાઈ-બહેનોને આંખ દેખાડે છે, હિન્દુ-મુસ્લિમોને આપસમાં લડાવે છે, કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયાસ કરે છે તો તેઓ કોઈ પણ હોય બક્ષવામાં નહીં આવે. આવા લોકો સામે પગલાં લેવામાં આવશે.’

