દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપતો ભારતીય જનતા પાર્ટીના જીવદયાપ્રેમી કાર્યકરનો ખુલ્લો પત્ર
દેવેન્દ્ર ફડણવીસ
સરકાર અને મહાનગરપાલિકા ૪ જુલાઈથી મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરાવવા સક્રિય બની છે જેનો રંજ દરેક જીવદયાપ્રેમીને છે. પ્રશાસનથી નારાજ અનેક લોકો સોશ્યલ મીડિયામાં આ મુદ્દે સરકારની કાર્યવાહીની સખત શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકરનો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નમ્ર વિનંતી, સૂચન અને જાગ્રત કરતો એક મેસેજ ગઈ કાલથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ મેસેજમાં મુંબઈના જીવદયાપ્રેમીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તમે પહેલાં આ મેસેજ દરેક પાર્ટીના નેતાઓને મોકલીને તેમને વિનંતી કરો કે કબૂતરખાનાંઓને બચાવવા માટે આપણને સાથ આપે, નહીંતર આગામી મહાનગરપાલિકાના ઇલેક્શનમાં જે પાર્ટી કબૂતરોને ચણ આપવા અને સાચવવા તૈયાર હોય એને જ વોટ આપો, નહીંતર નન ઑફ ધ અબોવ (NOTA એટલે કે આ પાર્ટીમાંથી કોઈને પણ મત નહીં) કરો. કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગરનો એક મેસેજ આવો છે...
નમ્ર વિનંતી, સૂચન અને જાગૃતિ આદરણીય દેવેન્દ્ર ફડણવીસજી ચીફ મિનિસ્ટર, મહારાષ્ટ્ર
ADVERTISEMENT
હું ભારતીય જનતા પાર્ટી (BJP)નો સભ્ય છું અને આ પાર્ટીને ટેકો આપતો રહ્યો છું. મહારાષ્ટ્રમાં હિન્દુત્વની જીવદયાને પ્રેમ કરનારી સરકાર છે. હિન્દુત્વના નામે હંમેશાં વોટ માગનારી પાર્ટી, આજે હિન્દુત્વ અને જીવદયાપ્રેમીઓની અસ્મિતા પર પ્રહાર કરતાં છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈમાં બધાં કબૂતરખાનાં બંધ કરવા પર તુલી છે. કોના કહેવાથી કયા આધારે?
મૂંગાં પ્રાણી કબૂતરોએ માણસોનું શું બગાડ્યું છે? શાંતિનું પ્રતીક આજે ભૂખે મરી રહ્યું છે. જ્યાં એને કાયદાકીય સુરક્ષા પણ નસીબમાં નથી, એ બોલી શકતું નથી એટલે?
આવનારા સમયમાં મહાનગરપાલિકા અને સ્થાનીય નિગમોની ચૂંટણી આવવાની છે. ક્યાંક એવું ન થઈ જાય કે અબોલ જીવો પ્રત્યે પ્રેમ રાખનારાઓ તમને નકારી કાઢે અને તમારી વિરુદ્ધમાં મતદાન કરીને તમને હરાવી દે. તમે સમય મળતાં આ બાબતનું નિરાકરણ કરો. સમય બળવાન છે.
અંતમાં, તમને બધા જીવદયાપ્રેમીઓને નમ્ર નિવેદન છે કે તમારા પર્સનલ મોબાઇલથી કાયદાકીય કબૂતર બચાવવાની ઝુંબેશ શરૂ કરો અને સ્થાનિક રાજકીય પાર્ટીના નેતાઓને અપીલ કરો. ત્યાર પછી પણ જો તમારા અવાજને દબાવી દેવામાં આવે તો આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પાર્ટી કબૂતરોનાં દાણાપાણીનું ધ્યાન રાખવા તૈયાર હોય એની તરફેણમાં મતદાન કરો, નહીંતર NOTAનો ઉપયોગ કરો. અબોલ જીવોનો આ જ છે પોકાર, અમને બચાવો હે જીવદયાપ્રેમી નર-નાર.

