પાણી ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં પચીસ ટકા વેડફાય છે : RTIના જવાબમાં ખુલાસો
પ્રતીકાત્મક તસવીર
વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કૉન્ટ્રૅક્ટરો દ્વારા પાણીની પાઇપલાઇનમાં પંક્ચર થવાના સંદર્ભમાં BMCના હાઇડ્રોલિક વિભાગે અત્યાર સુધીમાં ૧૬,૩૮,૮૪,૭૧૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાણવા મળ્યું છે કે પાણીપુરવઠાની મુખ્ય લાઇનોના સમારકામ અને જાળવણી પાછળ વિભાગ દ્વારા ૬૦,૦૨,૦૩,૪૨૨.૯ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
RTIના જવાબમાં મળેલી માહિતી મુજબ તાજેતરમાં પાણીની પાઇપલાઇનને થાણેના બિલ્ડર દ્વારા થયેલા નુકસાન અને મેટ્રો 6ના કામને કારણે અંધેરી-ઈસ્ટમાં બે વાર મુખ્ય લાઇનને નુકસાન થયા પછી પાંચ મહિના સુધી દરરોજ ૩૦ લાખ લીટર પાણીનો બગાડ થયો હતો. આ ઉપરાંત મળેલી માહિતી મુજબ નાગરિકોનાં ઘર સુધી પાણી પહોંચે એ માટેની પાઇપલાઇનમાં પચીસ ટકા પાણી રસ્તામાં વેડફાઈ જાય છે. પાણીની પાઇપલાઇનોનું સમારકામ અને જાળવણી ખર્ચાળ કામ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
૩૧,૬૮૩ ગેરકાયદે વૉટર-કનેક્શન
BMCના ડેટા મુજબ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૩૧,૬૮૩ ગેરકાયદે પાણીનાં કનેક્શન હતાં. ગેરકાયદે કનેક્શન દ્વારા પાણીની ચોરી થઈ રહી હોવાનું જાણવા મળ્યા પછી હાઇડ્રોલિક વિભાગે ૩૦,૩૦૨ કનેક્શન કાપી નાખ્યાં હતાં. એમાંથી મોટા ભાગનાં કનેક્શન દાદર, માહિમ, કુર્લા અને ધારાવીનાં હતાં.
