નહીં પહેરે તો ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને એક વર્ષનો પ્રતિબંધ
બળદગાડા
ટૂ-વ્હીલર ચલાવનારાઓ માટે હેલ્મેટ ફરજિયાત છે એ તો આપણે જાણીએ છીએ, પણ રેસમાં ભાગ લેનારા બળદગાડાના ચાલક માટે પણ તેની સુરક્ષા માટે હેલ્મેટ કમ્પલ્સરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રેસ વખતે બળદગાડા ચલાવનારા અનેક ચાલકો હેલ્મેટ નથી પહેરતા એને લીધે મુશ્કેલીમાં મુકાય છે. આથી અખિલ ભારતીય બૈલગાડા સંઘટનાએે હેલ્મેટ પહેરવાના નિયમનો ભંગ કરનારા લોકોને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવાની અને તેઓ એક વર્ષ સુધી બળદગાડાની રેસમાં સામેલ ન થઈ શકે એવી કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.
અખિલ ભારતીય બૈલગાડા સંઘટનાના અધ્યક્ષ સંદીપ માળીએ કહ્યું હતું કે ‘બળદગાડાની રેસમાં અકસ્માત થવાની શક્યતા હોય છે એને ધ્યાનમાં રાખીને બળદગાડાના ચાલકે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બળદગાડાના ચાલકોની સુરક્ષા માટે અમે ૨૦,૦૦૦ હેલ્મેટનું વિતરણ કર્યું છે. હેલ્મેટના નિયમનો ભંગ કરનારા સામે દંડની સાથે પ્રતબિંધની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં દેસાઈ ગામમાં આયોજિત બળદગાડાની રેસમાં કેટલાક ચાલકોએ હેલ્મેટ ન પહેરી હોવાનું જણાઈ આવ્યું હતું.’

