એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પહેલેથી જ તમને ખતમ કરી નાખ્યા છે
એકનાથ શિંદે (તસવીર : આશિષ રાજે)
બાળ ઠાકરેએ સ્થાપેલી શિવસેનાના ગઈ કાલે સ્થાપનાદિને શિવસેનાના વડા અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ જબરી ફટકાબાજી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ તેમને ખુલ્લી ચૅલેન્જ ફેંકી હતી કે કમ ઑન, કિલ મી. એના જવાબમાં વરલીમાં યોજાયેલા સ્થાપનાદિન સમારોહમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મરે હુએ કો ક્યા મારના. વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ જ તમને ખતમ કરી નાખ્યા હતા. ફક્ત બૂમાબૂમ કરીને કંઈ વળતું નથી. એના માટે કાંડામાં જોર જોઈએ. વાઘનું ચામડું ઓઢીને કંઈ શિયાળ વાઘ ન બની શકે. ફક્ત મોઢેથી વરાળ કાઢવાનો કોઈ અર્થ નથી. અમારો નાદ ન કરતા. તમને ત્રણ વર્ષ પહેલાં જ દેખાડી દીધું છે કે હું બાળાસાહેબનો સાચો સૈનિક છું. હમ કિસી કો છેડતે નહીં ઔર હમેં જો છેડે ઉસે છોડતે નહીં.’
એકનાથ શિંદેએ છેલ્લી ત્રણ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ને કેટલા મત મળ્યા અને એનો સ્ટ્રાઇકરેટ શું હતો એના આંકડાઓ જાહેર કરીને કહ્યું હતું કે ‘શિવસેના-UBTએ જે બેઠકો જીતી એ કૉન્ગ્રેસની મહેરબાનીથી જીતી, કારણ કે શિવસેનાના મતદારોએ તો ક્યારનું UBTને ટાટા-બાયબાય કહી દીધું હતું. ૨૦૨૪ની ચૂંટણીમાં તો જનતાએ તેમની પાણી વગર જ હજામત કરી નાખી હતી. એ લોકો વિનાશ તરફ આગેકૂચ કરી રહ્યા છે. અહંકારી લોકોની ફેણને જનતાએ જ કચડી નાખી છે. બાળાસાહેબે જિંદગીભર જે કૉન્ગ્રેસનો વિરોધ કર્યો એ જ કૉન્ગ્રેસ સાથે યુતિ કરવાનું પાપ કોણે કર્યું એ બધા જાણે છે. સત્તા માટે કોણ લાચાર બન્યું એની લોકોને ખબર છે.’
ADVERTISEMENT
શિવસૈનિકોને સંબોધતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આપણી પાસે આત્મવિશ્વાસ છે, જ્યારે તેમની પાસે અહંકાર છે. તેમણે બાળાસાહેબના વિચારોનો વિશ્વાસઘાત કર્યો, મરાઠી માણૂસના હિન્દુત્વનો વિશ્વાસઘાત કર્યો. અરે, સરડો પણ રંગ બદલે છે, પણ આટલો જલદી રંગ બદલનારો સરડો દેશે પહેલી વાર જોયો. જે મુખ્ય પ્રધાનના પદ માટે લાચાર થયા તે શું આગળ લઈ જશે બાળાસાહેબના વિચાર? જે પોતાને વારસદાર કહેવડાવે છે તેમણે લાચારી સ્વીકારી. જો બાળાસાહેબ હોત તો ઊંધા ટાંગીને નીચે મરચાંની ધુરી કરી હોત. કેટલાક લોકોને ચૂંટણીઓ આવે એટલે કાર્યકર્તાઓ યાદ આવે છે, નહીં તો બાકીના સમયમાં હમ દો હમારે દો. ચૂંટણી આવે એટલે મરાઠી માણૂસ યાદ આવે. બાળાસાહેબ પછી તમે મરાઠી માણૂસ માટે શું કર્યું? તમારા વલણને કારણે મરાઠી માણૂસ બહાર ફેંકાઈ ગયો. આ તમારું પાપ છે.’

