દાદરમાં આર્કિટેક્ચર ઇન્ટીરિયર ડિઝાઇનર પાસે અકાઉન્ટન્ટનું કામ કરતી મહિલાએ બૉસનો વિશ્વાસ જીત્યા બાદ ૧.૪૫ કરોડ રૂપિયા પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા
પ્રતીકાત્મક તસવીર
દાદરમાં મહિલા આર્કિટેક્ચર ઇન્ટીરિયર ડિઝાઇનર પાસે છેલ્લાં ૧૫ વર્ષથી અકાઉન્ટન્ટનું કામ કરતી મહિલાએ બૉસની જાણ બહાર ૨૦૨૦થી ધીરે-ધીરે કરીને બૅન્ક અકાઉન્ટમાંથી ૧.૪૫ કરોડ રૂપિયા પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા. ફરિયાદી પાસે નવા અકાઉન્ટન્ટે છેલ્લા એક વર્ષનો હિસાબ કાઢ્યો ત્યારે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી. ત્યારે અમુક પૈસા આરોપી મહિલાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું દેખાયું હતું. આ ઘટનાની ફરિયાદ દાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતાં એણે વધુ તપાસ શરૂ કરી છે.
તાડદેવમાં જનતાનગર બાલકૃષ્ણ નકાશે માર્ગ પરની એક સોસાયટીમાં રહેતાં અને પ્રભાદેવીમાં યુનિક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સમીરા રાઠોડ ડિઝાઇન અસોસિએટ્સ નામે વ્યવસાય કરતાં ૬૦ વર્ષનાં સમીરા કીર્તિ રાઠોડે કરેલી ફરિયાદ અનુસાર તેમણે ઑફિસમાં અકાઉન્ટ જોવા માટે ૨૦૦૮માં ડોમ્બિવલીના નૌપાડામાં શિવગણેશ સદર સોસાયટીમાં રહેતી ઋતુજા તુષાર પરબને રાખી હતી. ઋતુજા ઑફિસનું તમામ કામ સંભાળતી હતી. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. જોકે થોડાં વર્ષો પછી કલીગ્સ તેમ જ સી.એ. તરફથી કામ યોગ્ય રીતે ન કરવા અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. એમ છતાં ફરિયાદીએ તમામ ફરિયાદની અવગણના કરી હતી. તેને ફરિયાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પારિવારિક બાબતને કારણે પરેશાન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પણ તેણે સમયસર કોઈ કામ કર્યું નહોતું. ઇન્કમ ટૅક્સ ભરતી વખતે પણ વારંવાર ફરિયાદો થતી હતી. વ્યવસાયની આવકનો યોગ્ય હિસાબ નહોતો મળતો એટલે દર વખતે ઇન્કમ ટૅક્સનો ફાઇન ભરવો પડતો હતો. અંતે આ બધાથી કંટાળીને ઋતુજાને ૮ એપ્રિલ ૨૦૨૩થી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેની જગ્યા પર અકાઉન્ટન્ટ તરીકે જેનિસ પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. એની સાથે સલમાન ફારુક મન્સૂરીને સી.એ. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આશરે ૧૦ દિવસ પહેલાં જેનિસ અને સલમાન ફરિયાદીનાં બધાં ખાતાં ભેગાં કરી રહ્યાં હતાં ત્યારે તેમના અકાઉન્ટમાંથી ૯૬ લાખ રૂપિયા ઋતુજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. એ પછી છેલ્લાં ત્રણ વર્ષનાં બૅન્ક-સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવ્યાં હતાં જેમાં ૨૦૨૦માં ૧૭ લાખ રૂપિયા, ૨૦૨૧માં ૩૩ લાખ રૂપિયા, ૨૦૨૨ અને ૨૦૨૩માં ૯૬ લાખ રૂપિયા ઋતુજાએ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. અંતે છેતરપિંડી બહાર આવતાં આ ઘટનાની જાણ દાદર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
દાદર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીની પર્સનલ અસિસ્ટન્ટ તરીકે આરોપી મહિલા કામ કરતી હતી એટલે તેના પર પૂરો વિશ્વાસ હતો. એથી ફરિયાદીએ ક્યારેય તેને પૈસા વિશે પૂછ્યું નહોતું અને ક્યારેય અકાઉન્ટની તપાસ પણ કરી નહોતી. આરોપી મહિલાનું બૅન્ક-અકાઉન્ટ તપાસવામાં આવતાં તેણે આશરે ૧.૪૫ કરોડ રૂપિયા સેરવી લીધા હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીનું જે બૅન્ક-અકાઉન્ટ ઈ-મેઇલ આઇડી સાથે લિન્ક હતું એમાં અકાઉન્ટ બાબતની જે અપડેટ આવતી હતી એ ઈ-મેઇલ આઇડી આરોપીએ પોતાની પાસે રાખ્યું હતું. જેમાંથી તેણે પોતાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ મેઇલ ડિલીટ કરી છે. એ સાથે વર્ષના અંતમાં રિટર્ન ફાઇલ કરવા માટે બૅન્કના સ્ટેટમેન્ટમાં કેટલાક એડિટ આરોપી કરતી હતી. જે પૈસા પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોય એની જગ્યા પર તે બીજો ખર્ચ બતાવતી હતી.’

