ડૉ. ધર્મેશ ભટ્ટને પત્રકારત્વમાં ૪૦ વર્ષનો બહોળો અનુભવ હતો. તેમણે મુંબઈના તમામ પ્રતિષ્ઠિત દૈનિકમાં કામ કર્યું હતું. તેમણે ધર્મેશ ‘સેક્યુલરિઝમ ઍન્ડ મીડિયા - 1947થી 2015’ વિષયમાં પીએચડી પણ કર્યું હતું
સ્વ. ડૉ. ધર્મેશ ભટ્ટ
પત્રકાર અને કવિ ડૉ. ધર્મેશભાઈ ભટ્ટ (Dr. Dharmesh Bhatt)નું અકાળે અવસાન થયું છે. તેમણે ગુજરાતી મિડ-ડે (Gujarati Mid-Day)માં ચીફ સબ એડિટર તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. તેઓ છેલ્લે મુંબઈ સમાચારમાં કાર્યરત હતા. ગઈકાલે રાત્રે અચાનક હૃદયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું. આજે બપોરે ૧૨ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કાંદિવલીમાં રહેતા ધર્મેશભાઈ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ૧૫ વર્ષ સુધી સભ્ય હતા. તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર હતાં. તેમના પુસ્તકને અકાદમી તરફથી એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ડૉ. ધર્મેશ ભટ્ટને પત્રકારત્વમાં ૪૦ વર્ષનો બહોળો અનુભવ હતો. તેમણે મુંબઈના તમામ પ્રતિષ્ઠિત દૈનિકમાં કામ કર્યું હતું. તેમણે ધર્મેશ ‘સેક્યુલરિઝમ ઍન્ડ મીડિયા - 1947થી 2015’ વિષયમાં પીએચડી પણ કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જન્મભૂમિ પ્રવાસી સાથે ફિલ્ડ રિપોર્ટર તરીકે કરી હતી. બાદમાં તેમણે દૈનિક મધ્યાંતર, સાપ્તાહિક યુવદર્શન અને સ્ટારડસ્ટ, સ્ટારડસ્ટમાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. તેમણે ગુજરાતના સૌથી જૂના દૈનિક `ગુજરાત મિત્ર`ના મુંબઈ બ્યુરો ચીફ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ડેબોનેર, ખલીજ ટાઈમ્સ, ઈન્ડિયાલિંક (લંડન), ટ્રેડ ગાઈડ, એક્ઝિબિશન વર્લ્ડ, શોપર્સ ગાઈડ, વિવેક (હિન્દી), દિવ્ય મરાઠી જેવા પ્રકાશનોમાં પણ સફળ યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
ડૉ. ધર્મેશ ભટ્ટે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના ઉપપ્રમુખ તરીકે પરિભાષિક શબ્દકોશ (પત્રકારત્વમાં અનુવાદ માટે ઉપયોગી શબ્દકોશ)નો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના સચિવ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય પણ રહી ચૂક્યા હતા. સર્જનાત્મક લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન પણ મહત્ત્વનું છે. તેમણે ત્રણ કાવ્યસંગ્રહ લખ્યા, જેમાં ‘ઈશા’, ‘અને રેતકણ’ અને ‘એક વાર’ સામેલ છે. તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘અકારણ’ અને લઘુ નિબંધોનો સંગ્રહ ‘ને તુ ના આવે’ પણ બહાર પાડ્યો હતો.

