ઘાટકોપરની ચોંકાવનારી ઘટના
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-ઈસ્ટના કામરાજનગરમાં રહેતી બાવીસ વર્ષની યુવતીએ ગ્રાન્ટ રોડમાં રહેતા ૨૩ વર્ષના જીહાન દાસ સામે પંતનગર પોલીસ-સ્ટેશનમાં બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જોકે એની જાણ જીહાનને થતાં તેણે ઉશ્કેરાઈને બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે યુવતીના ઘરની બારીમાંથી ફટાકડા ફેંક્યા હતા. ઘરમાં અચાનક ફટાકડા ફૂટતા જોઈને યુવતીનો પરિવાર ગભરાઈ ગયો હતો. અંતે એની જાણ પંતનગર પોલીસ સ્ટેશનને કરતાં પોલીસે જીહાન સહિત અન્ય બે જણ સામે ફરિયાદ નોંધી હતી. બુધવારે વહેલી સવારે ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ આ ઘટના બનતાં કામરાજનગરમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પંતનગરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને ઘટનાક્રમ જણાવતાં કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર આરોપી સાથે યુવતીની ઓળખાણ થઈ હતી. ગયા મહિને આરોપીએ બળાત્કાર કર્યો હોવાનો દાવો યુવતીએ કર્યો છે. એ પછી અમે આરોપી જીહાન દાસ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં આરોપીએ યુવતીને ડરાવવા માટે મંગળવારે રાતે અઢી વાગ્યે યુવતીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. મોડી રાતે ઘરની બેલ વાગતાં યુવતીનો પરિવાર ગભરાઈ ગયો હતો. તેમણે આવેલું પાર્સલ ગભરાઈને ખોલતાં એમાંથી થમ્સઅપની બે બૉટલ અને વેફરનાં પડીકા નીકળ્યાં હતાં. એની સાથે એક ચિઠ્ઠી હતી જેમાં લખવામાં આવ્યું હતું, ‘પહેલી વૉર્નિંગ છે, બીજી વૉર્નિંગ તને આવતી કાલે મળશે.’ જોકે એના પર યુવતીના પરિવારે ખાસ ધ્યાન આપ્યું નહોતું અને બધા સૂઈ ગયા હતા. એ પછી બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે યુવતીનો પરિવાર સૂતો હતો ત્યારે અચાનક બારીમાંથી આવેલા ફટાકડા ફૂટવા માંડ્યા હતા જેનાથી બધા ગભરાઈને ઊભા થઈ ગયા હતા. એ સમયે આરોપી જીહાને યુવતીના નંબર પર ફોન કરીને ફરિયાદ કરવા બદલ ધમકાવી હતી. અંતે યુવતીના પરિવારે અમારો સંપર્ક કરતાં અમે જીહાન સહિત ઘરની બારીમાંથી ચાર રસ્સીબૉમ્બ નાખનાર સામે ફરિયાદ નોંધી છે.’

