દરરોજ ૩૫૦૦ જેટલા લોકો અહીં આવે છે : વિરોધ-પ્રદર્શન કરવાની સાથે આત્મહત્યાના પ્રયાસમાં વધારો થવાથી નિર્ણય લેવામાં આવ્યો
ફાઇલ તસવીર
દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયમાં દરરોજ ૩,૫૦૦ જેટલા લોકો આવે છે. આ સિવાય અહીં વિરોધ-પ્રદર્શન અને આત્મહત્યા કરવાના પ્રયાસની ઘટનાઓ વધી છે એટલે રાજ્ય સરકારે મંત્રાલયમાં પ્રવેશ માટેના નિયમો કડક કરવાનો નિર્ણય લીધો છે. કડક નિયમોને લીધે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. હવેથી આરએફઆઇડી અને કલર કોડના પાસ તેમ જ અગાઉથી સ્લૉટ બુક કરાવ્યો હશે તેમને જ મંત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. લોકોએ જે વિભાગમાં જવા માટેનો પાસ લીધો હશે એ સિવાય તેઓ બીજી જગ્યાએ નહીં જઈ શકે.
રાજ્યના ગૃહવિભાગ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા મંત્રાલયના પ્રવેશ માટેના આદેશ મુજબ મંત્રાલયમાં પ્રવેશ કરતી વખતે જે વિભાગમાં જવા માટેનો પાસ લેવામાં આવ્યો હશે એ સિવાયના વિભાગમાં કે ફ્લોર પર હવેથી નહીં જઈ શકાય. આ સિવાય હવેથી ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કૅશ સાથે કોઈ મુલાકાતી મંત્રાલયમાં પ્રવેશ નહીં કરી શકે. જોકે મંત્રાલયની અંદર બૅન્કોનાં એટીએમ સેન્ટર છે એટલે પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ એટીએમ સેન્ટરમાંથી રૂપિયા કઢાવી શકે છે. આથી આ નિર્ણયનો કોઈ અર્થ ન હોવાનું લોકોનું માનવું છે.
ADVERTISEMENT
ગૃહવિભાગે મંત્રાલયની સિક્યૉરિટી બાબતે ડેપ્યુટી પોલીસ કમિશનરને અહીં કેટલા લોકોને પ્રવેશ આપવો એ વિશેનો એક રિપોર્ટ તૈયાર કરીને મહિનામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
શિવસેનાના સાંસદોને નોટિસ
લોકસભાના વિશેષ સંસદમાં મહિલા આરક્ષણ બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર સાંસદ ગેરહાજર રહ્યા હતા. આથી એકનાથ શિંદે જૂથ શિવસેનાએ આ સાંસદોને નોટિસ મોકલીને જવાબ આપવાનું કહ્યું છે. શિવસેનાના લોકસભાના નેતા રાહુલ શેવાળેએ વિનાયક રાઉત, રાજન વિચારે, ઓમરાજે નિમ્બાળકર અને સંજય જાધવને સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલની ચર્ચા અને મંજૂરી આપતી વખતે હાજર રહેવાનો વ્હીપ જારી કર્યો હતો. આ સાંસદોએ વ્હીપનું પાલન નહોતું કર્યું એટલે તેમને નોટિસ મોકલવામાં આવી છે. ગંભીર વિષય પર બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં હાજર ન રહેવા બદલ ચારેય સાંસદ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
નવરાત્રિમાં પહેલી સુનાવણી
શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણીનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ૧૩ ઑક્ટોબરથી ૨૩ નવેમ્બર દરમ્યાન રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સમક્ષ શિવસેનાના વિધાનસભ્યોની પાત્રતા બાબતે સુનાવણી હાથ ધરવામાં આવશે. નવરાત્રિમાં વિધાનસભ્યોએ રજૂ કરેલા ડૉક્યુમેન્ટ્ સ સંબંધી સુનાવણી કરાશે અને દિવાળી બાદ ઊલટતપાસ હાથ ધરવામાં આવશે. ૧૩ ઑક્ટોબરે બધી અરજી સાથે સાંભળવી કે નહીં એની સુનાવણી કરાશે. ૧૩થી ૨૦ ઑક્ટોબર દરમ્યાન બંને જૂથના નેતાઓની સુનાવણી કરાશે. ૨૭ ઑક્ટોબરે બંને જૂથના નેતા નિવેદન આપશે. ૬થી ૧૦ નવેમ્બર સુધી આ સંબંધે સુનાવણી થશે. ૨૦ નવેમ્બરે બંને જૂથના સાક્ષીઓ રજૂ કરાશે. ૨૩ નવેમ્બરે સાક્ષીઓની ઊલટતપાસ કરાશે. બધા પુરાવા ચકાસ્યા બાદ બે અઠવાડિયાંમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે. આવતા વર્ષના જાન્યુઆરીના બીજા ભાગમાં પાત્રતા કે અપાત્રતાનો નિર્ણય સ્પીકર દ્વારા અપાવાની શક્યતા છે.

