પત્તાંની રમત રમતા ઝડપાયેલા માણિકરાવ કોકાટેની હકાલપટ્ટી ન થઈ, માત્ર ખાતાબદલી થઈ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વિધાનપરિષદમાં ચાલુ સત્રમાં પત્તાંની રમત રમતા રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે પર આ બાબતે માછલાં ધોવાતાં અને સરકાર પર પણ સાથીપક્ષો દ્વારા તેમની સામે ઍક્શન લેવાનું દબાણ કરવામાં આવતાં આખરે તેમની પાસેથી કૃષિ ખાતું આંચકી લેવામાં આવ્યું છે અને તેમને રમગગમત અને યુવા ખાતાનો પદભાર સોંપવામાં આવ્યો છે. જોકે એ સામે કૃષિ ખાતું મકરંદ આબા પાટીલને સોંપવાની હિલચાલ થઈ હતી પણ તેમણે ના પાડતાં દત્તામામા ભરણેને સોંપવામાં આવ્યું છે અને તેમને તો આ લૉટરી જ લાગી ગઈ છે.
NCPના માણિકરાવ કોકાટેનો વિધાનપરિષદમાં પત્તાંની ગેમ રમતો વિડિયો બહુ જ વાઇરલ થયો હતો અને એ પછી તેમની સામે કાર્યવાહી કરવાની માગણી ઊઠી હતી. એથી પહેલાં સરકારનો તેમને સમજાવીને છોડી મૂકવાનો પ્લાન હતો. જોકે તેમની સામેની નારાજગી વધી રહી હોવાથી આખરે તેમની પાસેથી મહત્ત્વનું એવું કૃષિ ખાતું લઈને અન્ય ખાતું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમની પાસેથી કૃષિ ખાતું આંચકી લઈને NCPના મકરંદ આબા પાટીલને ઑફર કરવામાં આવ્યું હતું. મકરંદ આબા પાટીલ હાલ મદદ અને પુનર્વસન ખાતાના પ્રધાન છે. તેમણે કૃષિ ખાતું સ્વીકારવાની ના પાડી. તેમણે કહ્યું કે મદદ અને પુનર્વસનનું ખાતું હું હવે સમજી શક્યો છું એટલે હું અહીં જ રહેવા માગીશ. આથી બીજા વિકલ્પ તરીકે NCPના જ દત્તામામા ભરણેને કૃષિ ખાતાની જવાબદારી સોંપવામાં આવી. દત્તામામા ભરણેને તો અંદાજ જ નહોતો કે તેમને આવી અણધારી તક મળશે. આમ તેમને તો આ બગાસું ખાતાં પતાસું મળ્યું જેવો ઘાટ થયો હતો.

