પુણે જિલ્લાના શિરુર તાલુકામાં બે દિવસ પહેલાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર ૧૩ વર્ષના ટીનેજરની ડેડ-બૉડી જે વિસ્તારમાંથી મળી આવી હતી
પ્રતીકાત્મક તસવીર
પુણે જિલ્લાના શિરુર તાલુકામાં બે દિવસ પહેલાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર ૧૩ વર્ષના ટીનેજરની ડેડ-બૉડી જે વિસ્તારમાંથી મળી આવી હતી ત્યાંથી જ એક દીપડાને પકડવામાં આવ્યો છે. મંગળવારે પકડાયેલા દીપડાએ જ ટીનેજર પર હુમલો કર્યો હતો એવું સાબિત થયું નથી. DNA પ્રોફાઇલિંગ બાદ હુમલાખોર દીપડો છે કે નહીં એ સાબિત થશે એમ વનવિભાગના એમ અધિકારી જણાવ્યું હતું.
પિંપરખેડ વિસ્તારમાંથી લગભગ પાંચથી ૬ વર્ષના નર દીપડાને પકડવામાં આવ્યો હતો. દીપડો વનવિભાગના ગોઠવેલા પાંજરામાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ એનાં DNA સૅમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા મહિનામાં ૩ લોકો પર એક જ દીપડાએ હુમલો કર્યો હતો કે કેમ એ પણ જાણવામાં આવશે.
ADVERTISEMENT
પાંજરાંઓ માટે ૧૦ કરોડનું ભંડોળ
શિરુર, જુન્નર, ખેડ, આંબેગાંવ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં દીપડાઓને પકડવા માટે તાત્કાલિક ૨૦૦ પાંજરાં ગોઠવવામાં આવશે તેમ જ યુદ્ધના ધોરણે બીજાં ૧૦૦૦ પાંજરાં મેળવવામાં આવશે. એના માટે ૧૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં દીપડાની સંખ્યા કાબૂમાં લેવા દીપડાઓનું ખસીકરણ કરવા ઉપરાંત એમને અન્ય સ્થળે ખસેડવાની યોજનાને મંજૂરી માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.


