લાલબાગ ગયેલા મલાડના હાર્દિક સરવૈયાએ પત્ની સાથે મળીને ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો અને ચોરને પકડીને પોલીસને સોંપ્યો
પ્રતીકાત્મક તસવીર
મલાડમાં રહેતા ગુજરાતી સીએનો મોબાઇલ લાલબાગમાં ચોરી થયો હતો. એની જાણ થતાં તેણે તરત પત્નીને ફોન કર્યો હતો. ત્યાર બાદ ફોનનું લોકેશન પત્નીએ જોઈને એની માહિતી પતિને આપી હતી. એની મદદથી ફરિયાદી ચોર નજીક પહોંચ્યો હતો. ફરિયાદી ચોર નજીક પહોંચ્યો ત્યારે આરોપી ફરિયાદીને જોઈને ત્યાંથી નાસી ગયો હતો. જોકે એટલેથી ન અટકતાં ફરિયાદીએ પોતાની સ્માર્ટ વૉચને હૉટ સ્પૉટ સાથે કનેક્ટ કરીને પોતાના મોબાઇલનું લોકેશન શોધી કાઢ્યું હતું અને એની મદદથી દાદરમાં છુપાઈને બેસેલા આરોપીને પોલીસની મદદથી પકડી પાડ્યો હતો.
મલાડના માર્વે રોડ પર મૈત્રી હાઇટ્સમાં રહેતા અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું કામ કરતા ૩૪ વર્ષના હાર્દિક સરવૈયા સોમવારે લાલબાગ ગયા હતા. ત્યાંથી ઘરે પાછા ફરતી વખતે તેમના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ચોરાઈ ગયો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે તરત પત્નીને ફોન કરીને પોતાના મોબાઇલનું લોકેશન માગ્યું હતું. એની મદદથી તેઓ મોબાઇલ-ચોરની નજીક પહોંચ્યા હતા. ત્યારે ત્રણ લોકો એક સ્કૂટર પર બેસેલા જોવા મળ્યા હતા. તેઓ તેની નજીક ગયા ત્યારે એ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. અંતે તેમણે પોતાની સાથે રહેતા એક ભાઈના મોબાઇલના ઇન્ટરનેટનું હૉટ સ્પૉટ લીધા બાદ એની સાથે કનેક્ટ કરી જે ફોન ચોરી થયો હતો એનું લોકેશન ટ્રેસ કરીને પોતાના આઇફોનનું એક સૉફ્ટવેર ચાલુ કરી દીધું હતું. એનાથી ચોરોએ અનેક વાર ફોન બંધ કરવાની કોશિશ કરી હતી, પણ ફોન બંધ થયો નહોતો. ત્યાર બાદ મળેલા લોકેશનના આધારે પોલીસની મદદથી દાદરમાં પાછા તેઓ ચોરની નજીક પહોંચ્યા હતા અને આખરે પોતાનો મોબાઇલ પાછો મેળવ્યો હતો. ચોરી કરનાર રાકેશ આચેકર, અસ્મિત કદમ અને ક્રિષ્ના શિવદેની કાલાચૌકી પોલીસે ધરપકડ કરી હતી.
હાર્દિકભાઈનાં પત્ની ઉર્વશીએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બન્ને પાસે આઇફોન મોબાઇલ છે અને અમારા ફોનનું એકબીજા સાથે લોકેશન શૅર કરી રાખ્યું છે. મોબાઇલ ચોરી થયો ત્યારે મારા પતિએ મને ફોન કર્યો હતો એટલે મેં તરત તેમના ફોનનું લોકેશન જોયું હતું. ત્યારે એ મોબાઇલ તેમના ૨૦૦ મીટરમાં દેખાઈ રહ્યો હતો. હવે પ્રૉબ્લેમ એ હતો કે હું ઘરે હતી અને તેઓ લાલબાગ એટલે લોકેશન કેમ સમજવું? એટલે મેં મારા ભાઈની મદદ લીધા બાદ જ્યાં મને ફોનનું લોકેશન દેખાયું હતું ત્યાં તેને મોકલ્યો હતો. ત્યાં મારા ભાઈ અને પતિ પહોંચ્યા ત્યારે મોબાઇલ ચોરનાર વ્યક્તિઓ ત્યાં જ હતી. તેમની નજીક જતાં તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ મારા પતિએ તેમણે પહેલેરી સ્માર્ટ વૉચ મારા ભાઈના મોબાઇલના હૉટ સ્પૉટ સાથે કનેક્ટ કરી હતી એટલે તેમને પણ તેમના મોબાઇલનું લોકેશન દેખાયું હતું. અંતે તેઓ પોલીસ સ્ટેશન પર ગયા હતા અને એક પોલીસને લીધા બાદ જે વિસ્તારમાં મોબાઇલ જઈ રહ્યો હતો ત્યાં ગયા હતા. અંતમાં દાદરમાં એક જગ્યાએ લોકેશન ટ્રેસ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેમનો મોબાઇલ ચોરી કરનાર વ્યક્તિઓ હતી અને આમ તેમનો મોબાઇલ મળી ગયો હતો.
ADVERTISEMENT
કાલાચૌકી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોબાઇલ અને આરોપીઓને અમે તાબામાં લીધા છે. એ સાથે ચોરી કરવા માટે વપરાયેલી મોટરસાઇકલ પણ અમે જપ્ત કરી છે. હાલમાં ફરિયાદીનો મોબાઇલ અમે જમા રાખ્યો છે, જે રિટર્ન ઑફ પ્રૉપ્રર્ટી કર્યા બાદ તેમને પાછો આપવામાં આવશે.’

