મરાઠા સમાજ માટે અમે સકારાત્મક છીએ એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈના આઝાદ મેદાનમાં મનોજ જરાંગેના અનામત આંદોલન બદલ પ્રતિક્રિયા આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બે સમાજ એકબીજાની સામે ઊભા રહે એવી અમારી ઇચ્છા નથી. છેલ્લાં ૧૦ વર્ષમાં અમારી સરકાર હતી ત્યારે મરાઠા સમાજને અમે ન્યાય આપ્યો છે, અનામત આપી છે. મરાઠા સમાજને ઉદ્યોગ માટે મદદ કરી છે. શિક્ષણ અને રોજગારની યોજનાઓ લાગુ કરી છે. આ પહેલાંની કોઈ પણ સરકારે મરાઠા સમાજ માટે કાંઈ કર્યું નથી. મરાઠા અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) વચ્ચે અનામતને લઈને ઝઘડો થાય એવી ઇચ્છા OBCની છે. મરાઠા સમાજ માટે અમે સકારાત્મક છીએ, અમે મરાઠા સમાજના પડખે છીએ, ચર્ચા કરીને માર્ગ કાઢીશું.’
વિરોધ પક્ષોની ટીકા કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કેટલાક લોકો OBC અને મરાઠા સમાજને એકબીજાની વિરુદ્ધ ઊભા કરવાનો પ્રયાસ કરે છે અને સગવડિયું ધોરણ અપનાવે છે. તેઓ ચોક્કસ ભૂમિકા લેતા નથી. તમારું ચોક્કસ સ્ટૅન્ડ શું છે એ કહો. એ લોકો સમાજ-સમાજ વચ્ચે ઝઘડો કરાવે છે અને પોતાનો રોટલો શેકી લે છે. એકને આગળ કરવાનું અને બીજાને નારાજ કરવાનું તથા એકબીજા વચ્ચે લડાઈ કરાવવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે.’
ADVERTISEMENT
મનોજ જરાંગેની જે માગણીઓ છે એના પર સકારાત્મક વિચાર કરવાનો અમારો પ્રયાસ છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તેમની માગણીઓ પર કાયદેસર અને બંધારણને અનુસરીને માર્ગ કાઢવો પડશે. એ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી નીમવામાં આવી છે. અનામત સંદર્ભે કાયદેસર પ્રક્રિયા શું છે એનો આ કમિટી વિચાર કરશે. આ કમિટીને શાસનના બધા અધિકાર આપવામાં આવ્યા છે. એથી કમિટીનો નિર્ણય એ સરકારના પ્રધાનમંડળનો નિર્ણય હશે.’
સરકારની ભૂમિકા સહકાર આપવાની છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘જો એકાદું આંદોલન લોકશાહીના માર્ગે ચાલી રહ્યું હોય તો એને સહકાર આપવાનો અને ચર્ચામાંથી માર્ગ કાઢવાનો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. આટલા મોટા પ્રમાણમાં લોકો આવવાથી ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ છે. કેટલાક લોકો આડોડાઈ કરતા હોય છે એને કારણે આખા આંદોલનને કાળી ટીલી લાગી જાય છે, એ બાબતે તકેદારી રાખવી જોઈશે. હાઈ કોર્ટે કેટલાંક બંધન મૂક્યાં છે એ પ્રમાણે પ્રશાસન કામ કરી રહ્યું છે.’

