ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક એટલે કે સાત રસ્તા સર્કલ-જેકબ સર્કલ સુધી ૧૭ કિલોમીટર દોડતી મોનોરેલમાં ધાર્યા કરતાં બહુ ઓછા પ્રવાસીઓ પ્રવાસ કરે છે
મોનોરેલ
વિશ્વના અનેક દેશોમાં સફળ મોનોરેલ મુંબઈમાં તદ્દન નિષ્ફળ ગઈ છે અને વર્ષે ૧૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે એને પાટે ચડાવવા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMDRA) ચેમ્બુરમાં મેટ્રો-2B (ડી. એન. નગર, અંધેરીથી મંડાલા-માનખુર્દ) સાથે એને જોડવાનો વિચાર કરી રહી છે.
ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક એટલે કે સાત રસ્તા સર્કલ-જેકબ સર્કલ સુધી ૧૭ કિલોમીટર દોડતી મોનોરેલમાં ધાર્યા કરતાં બહુ ઓછા પ્રવાસીઓ પ્રવાસ કરે છે જેને કારણે એ ખોટમાં જાય છે. હાલ દર ૧૮ મિનિટે એક ટ્રેન છોડવામાં આવે છે અને આમ રોજની ૧૧૮ સર્વિસ દોડવવામાં આવે છે જેમાં આખા દિવસમાં કુલ મળીને ૧૬,૦૦૦ જેટલા જ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. વળી શનિ-રવિમાં તો આ આંકડો ઘટીને ૧૦,૦૦૦ પર પહોંચી જાય છે. MMRDAના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે હવે મોનોરેલને મેટ્રો-2B સાથે જોડવાનો વિચાર કરી રહ્યા છીએ. એનાથી બહુ મોટો ફરક પડી શકે અને મોનોરેલમાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે એવું લાગી રહ્યું છે. અમને લાગે છે કે આમ કરવાથી અમે મોનોરેલમાં પ્રવાસીઓની જે સંખ્યા ધારી હતી એ અચીવ થઈ શકશે.’
ADVERTISEMENT
નવી રેક મગાવી, પણ પ્રવાસીઓ ક્યાં છે?
ઑલરેડી મોનોરેલ ખોટ ખાઈ રહી છે અને પ્રવાસીઓની સંખ્યા વધારવાના ઉપાયો વિચારાઈ રહ્યા છે ત્યારે MMRDAએ મોનોની ૧૦ રેકનો ઑર્ડર મેધા સર્વો રેલ પ્રાઇવેટ લિમિટેડને આપ્યો છે. એક રેક માટે ૫૮.૯ કરોડ રૂપિયા ચૂકવવાના છે. આમ કુલ ૫૮૯ કરોડ રૂપિયા ચૂકવીને નવી રેક મગાવવામાં આવશે, પણ એમાં બેસવા પ્રવાસીઓ ક્યાં છે? આમ આ નવી રેકનો ખર્ચો પણ માથે જ પડી શકે એવી શક્યતાઓ હાલ તો જણાઈ રહી છે.

