Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોડ ખોદીને કામ શરૂ થયાં, પણ ૩૧ મેની ડેડલાઇન જળવાશે કે નહીં એ વિશે શંકા

રોડ ખોદીને કામ શરૂ થયાં, પણ ૩૧ મેની ડેડલાઇન જળવાશે કે નહીં એ વિશે શંકા

Published : 09 May, 2025 12:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCના ૧૭,૭૦૦ કરોડ રૂપિયાના રોડ કૉન્ક્રીટાઇઝેશનના પ્રોજેક્ટને લઈને ચણભણાટ: સારા રોડ ખોદી નાખવામાં આવ્યા છે એનો બાંદરામાં ​સિટિઝન ગ્રુપે વિરોધ નોંધાવ્યો

BMCએ મુંબઈના કુલ ૨૧૨૧ કિલોમીટર રોડને કૉન્ક્રીટાઇઝ કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યા છે

BMCએ મુંબઈના કુલ ૨૧૨૧ કિલોમીટર રોડને કૉન્ક્રીટાઇઝ કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યા છે


છેલ્લા બે દિવસથી મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના રોડ કૉન્ક્રીટાઇઝેશનના કામમાં અવરોધ આવ્યો છે અને સાથે જ એ કામ હવે ઝડપથી આટોપવું પડશે એવી જાણ કૉન્ટ્રૅક્ટરોને કરી દેવામાં આવી છે. આ કામને કારણે અનેક જગ્યાએ રોડ ખોદી નાખવામાં આવ્યા છે. બૅરિકેડ્સ મૂકીને રોડની નીચેની પાઇપલાઇન બદલવામાં આવી રહી છે. વળી એ માટે ખાડા ખોદીને એની માટી અને પથ્થર બાજુમાં જ મૂકી રાખવામાં આવતાં હોવાથી વાહનવ્યવહાર માટે રસ્તો સાંકડો થઈ જાય છે અને માટી અને વરસાદના પાણીને કારણે બાકીના રસ્તા કીચડથી ભરાઈ જતાં જોખમી બની ગયા છે. જે મંદ ગતિએ કામ ચાલી રહ્યાં છે એ જોતાં મુંબઈગરાઓને શંકા છે કે ૩૧ મે સુધીમાં એટલે કે મૉન્સૂન પહેલાં કામ પૂરાં થશે ખરાં? જો નહીં થાય તો આ વખતનું મૉન્સૂન અનેક હેરાનગતિઓવાળું સાબિત થશે.


ઘણી જગ્યાએ કૉન્ટ્રૅક્ટર ઢંગધડા વગરનું કામ કરતા હોય છે એવી ફરિયાદ ​મુંબઈગરાઓ કરી રહ્યા છે. બાંદરામાં તો સારા રોડ અને ફુટપાથ ખોદી નાખવામાં આવતાં રહેવાસીઓએ એનો વિરોધ કરીને કામ બંધ કરાવી દીધું છે.



BMCએ મુંબઈના કુલ ૨૧૨૧ કિલોમીટર રોડને કૉન્ક્રીટાઇઝ કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યા છે. બે તબક્કામાં આ કામ થવાનું છે. પાંચમી મે સુધી ફક્ત ૩૫૩ કિલોમીટર રોડનું કૉન્ક્રીટાઇઝેશનનું કામ થયું છે અને હજી ૧૭૬૮ કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે જે ૩૧ મે સુધી પૂરું કરવાનું છે. એ હવે થશે કે નહીં એ વિશે શંકા છે.


ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘શહેરમાં દર બીજો રોડ ખોદી નખાયો છે. દેખાઈ રહ્યું છે કે ૩૧ મે પહેલાં એ કામ પૂરું નથી થવાનું. ૨૦૦૦ જેટલા રોડ પર એકસાથે કામ શરૂ કરવાની જરૂર શું હતી? બે તબક્કામાં કામ કરવાને બદલે ૪ તબક્કામાં કર્યું હોત. હવે ૩૧ મે સુધીમાં રોડ બનાવી દેવા પડશે અને એ પછી એ કામની ક્વૉલિટી જળવાશે કે નહીં એ સવાલ છે.’

BMC શું કહે છે?
BMCનું કહેવું છે કે અમે એ પૂરું કરીશું. BMCના ઍડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું છે કે ‘હાલમાં જે રોડનાં જે કામ ચાલી રહ્યાં છે એ બધાં અમે ૩૧ મે સુધીમાં પૂરાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યાં અપવાદરૂપ કામ પૂરાં નહીં થઈ શકે ત્યાં અમે જંક્શન-ટુ-જંક્શન કામ ચાલુ રાખીશું અને કમ્પ્લીટ કરીશું. અમે કામની ક્વૉલિટીને લઈને કોઈ બાંધછોડ કરવાના નથી. કૉન્ક્રીટાઇઝેશનના આ કામમાં ક્વૉલિટી મેઇન્ટેન થાય એ માટે BMCના એન્જિનિયર્સ  અને ક્વૉલિટી મૉનિટરિંગ એજન્સી સહિત આ વખતે થર્ડ પાર્ટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT-બૉમ્બે)ને પણ એની ચકાસણીનું કામ સોંપવામાં આવ્યું છે એથી ક્વૉલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. અમે કૉન્ટ્રૅક્ટરોને કહ્યું છે કે હવે કોઈ નવું કામ ચાલુ ન કરતા. બાકી રહેલું કામ હવે દિવાળી પછી કરીશું. અત્યારે જે રોડનું કામ અડધુંપડધું થયેલું હશે એના પર પૅચવર્ક કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK