આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ જમીનની અંદર રહેલા મેટ્રોના જટિલ માળખા અને ટનલને સુરક્ષિત રાખવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
દેશની આર્થિક રાજધાની મુંબઈની સતત બદલાતી જતી સ્કાયલાઇન અને ગગનચુંબી ઇમારતોના સતત થઈ રહેલા નિર્માણ વચ્ચે હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરના ચોક્કસ વિસ્તારોમાં રીડેવલપમેન્ટ અથવા નવું બાંધકામ કરતાં પહેલાં ડેવલપર્સ માટે મેટ્રો સત્તામંડળની મંજૂરી લેવી હવે અનિવાર્ય બનશે. ખાસ કરીને મેટ્રો રૂટની નજીક આવતા પ્રકલ્પો પર આ નિયમની સીધી અસર જોવા મળશે.
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ જમીનની અંદર રહેલા મેટ્રોના જટિલ માળખા અને ટનલને સુરક્ષિત રાખવાનો છે. મુંબઈના એવા ગીચ વિસ્તારો જ્યાંથી મેટ્રો લાઇનો પસાર થાય છે ત્યાં બાંધકામની પ્રવૃત્તિઓથી મેટ્રોની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે એ માટે આ તકેદારી રાખવામાં આવી રહી છે. સુધારાયેલા માળખા મુજબ મેટ્રો કૉરિડોરની બન્ને બાજુએ ૫૦ મીટરના વિસ્તારને ઇન્ફ્લુઅન્સ ઝોન તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ઝોનમાં આવતા કોઈ પણ બાંધકામ, રીડેવલપમેન્ટ, તોડી પાડવાની કામગીરી કે ખોદકામ માટે પૂર્વમંજૂરી લેવી પડશે. ખાસ કરીને કફ પરેડથી આરે જતી મેટ્રો ૩ જે ભૂગર્ભ માર્ગ છે એના પર આ નિયમની સૌથી વધુ અસર પડશે.
