દિલ્હી નજીક યૂપીના નોએડા સેક્ટર-94માં ઝડપી ગતિએ દોડતી લૅમ્બોર્ગિની થકી બે મજૂરોને કચડવાનો મામલો ચર્ચામાં છવાઇ રહ્યો છે. આ અકસ્માતમાં સામેલ કાર જાણીતા યૂટ્યૂબર મૃદુલ તિવારીની કહેવામાં આવી રહી છે, જેની પૂછપરછની તૈયારી પોલીસ કરી રહી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિલ્હી નજીક યૂપીના નોએડા સેક્ટર-94માં ઝડપી ગતિએ દોડતી લૅમ્બોર્ગિની થકી બે મજૂરોને કચડવાનો મામલો ચર્ચામાં છવાઇ રહ્યો છે. આ અકસ્માતમાં સામેલ કાર જાણીતા યૂટ્યૂબર મૃદુલ તિવારીની કહેવામાં આવી રહી છે, જેની પૂછપરછની તૈયારી પોલીસ કરી રહી છે. થાણા સેક્ટર 126 પોલીસ મૃદુલને થાણે બોલાવીને એ જાણવાનો પ્રયત્ન કરશે કે અકસ્માતના સમયે ગાડી કોની પરવાનગીથી ચલાવવામાં આવી રહી હતી અને તેની પાછળની હકીકત શું છે.
યૂટ્યૂબર મૃદુલ નોઇડાના સુપરનોવા અપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે અને પોતાના કૉમેડી વીડિયો માટે જાણીતા છે. તેની યુટ્યુબ ચેનલ `ધ મૃદુલ` પર લગભગ 19 મિલિયન સબ્સ્ક્રાઈબર છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 35 લાખ ફૉલોઅર્સ છે. તેના પરિવારના અનેક સભ્યો પણ યુટ્યુબર છે. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે શું મૃદુલનો આ અકસ્માત સાથે કોઈ સીધો સંબંધ છે?
ADVERTISEMENT
દીપકે ટેસ્ટ ડ્રાઈવ માટે લીધી હતી કાર
અકસ્માતનો મુખ્ય આરોપી દીપક રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે અને દિલ્હી-એનસીઆરમાં કાર બ્રોકર તરીકે કામ કરે છે. દીપકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે દીપક ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન લૅમ્બોર્ગિની ચલાવી રહ્યો હતો. પોલીસે લૅમ્બોર્ગિની કબજે કરી છે અને આ મામલાની સઘન તપાસ કરી રહી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા બંને મજૂરો, રવિદાસ અને રંભુ કુમાર, નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરોના મતે, બંને હવે આઉટ ઑફ ડેન્જર છે અને તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. બંનેના પગમાં ફ્રેક્ચર થયું હતું.
મજૂરોએ જણાવ્યું હતું કે ઝડપી ગતિએ આવતી કારે ઘણાં લોકોને ટક્કર મારી હતી, પરંતુ તેઓ સૌથી વધુ ઘાયલ થયા હતા. અકસ્માત સ્થળે કારના ટુકડા વેરવિખેર પડી ગયા હતા અને અકસ્માતના નિશાન હજુ પણ રસ્તા પર દેખાય છે.
તે જ સમયે, આ દુ:ખદ અકસ્માત પછી, મજૂરોનું જૂથ બાંધકામ સ્થળ પર કામ પર પાછું ફર્યું છે. જેમને ખૂબ જ ગંભીર ઈજા નહોતી થઈ તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના લોકો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત છે. કામદારોએ કૅમેરા સામે જણાવ્યું કે કાર એટલી ઝડપથી આગળ વધી રહી હતી કે તેમને ભાગવાનો મોકો પણ ન મળ્યો.
`કોઈ મરી ગયું?`
ઉલ્લેખનીય છે કે રવિવારે નોઈડાના સેક્ટર-૯૪માં, એક બાંધકામ હેઠળની ઇમારત પાસે કાર ચલાવતી વખતે લૅમ્બોર્ગિનીનો ડ્રાઇવર કાર ફૂટપાથ પર લઈ ગયો અને બે મજૂરો પર કચડી નાખ્યા હતા. ઘાયલ કામદારોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત હવે બહેતર છે. પોલીસે જણાવ્યું કે તેના પગના હાડકાં તૂટી ગયા હતા. મજૂરો મૂળ છત્તીસગઢના છે.
આ ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આરોપી પોતાની કારમાંથી બહાર આવ્યો અને સ્થાનિક લોકોને પૂછ્યું, "શું અહીં કોઈ મરી ગયું છે?" વીડિયોમાં, એક વ્યક્તિ આરોપીને પૂછતો પણ સંભળાય છે કે શું તેને ખબર છે કે અહીં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિને "પોલીસને બોલાવો" કહેતા પણ સાંભળી શકાય છે.
સેક્ટર-૧૨૬ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "કાર અકસ્માતમાં બે મજૂરો ઘાયલ થયા છે, તેઓ છત્તીસગઢના છે. તેમની સ્થિતિ હવે ખતરાની બહાર છે અને તેમના પગમાં ફ્રેક્ચર છે."
તેમણે કહ્યું, "કાર ચાલકની ઓળખ અજમેરના રહેવાસી દીપક તરીકે થઈ છે અને કાર નંબર પુડુચેરીનો છે. ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવી છે."
પૂછપરછ દરમિયાન, ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે વાહનમાં ખામીને કારણે અકસ્માત થયો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત પાછળ બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ હતું. મૃદુલની પૂછપરછ બાદ આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

