લંડનની મુલાકાત વખતે વીર સાવરકર વિશે વાંધાજનક નિવેદન કર્યું હોવાનો આરોપ
રાહુલ ગાંધી
સ્વતંત્રતાસેનાની વીર સાવરકરના ભાઈ નારાયણના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર બદનક્ષીનો દાવો કરતી અરજી પુણેની કોર્ટમાં કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને ૯ મેએ હાજર રહેવાના સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પુણે કોર્ટે અગાઉ પણ રાહુલ ગાંધીને હાજર રહેવાના સમન્સ મોકલ્યા હતા ત્યારે રાહુલ ગાંધી એકાદ વખત હાજર રહ્યા હતા.
માર્ચ ૨૦૨૩માં રાહુલ ગાંધી લંડનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ભાષણમાં વીર સાવરકર વિશે કહ્યું હતું કે ‘એક પુસ્તકમાં લખ્યું છે કે સાવરકર અને તેમના પાંચથી છ મિત્રોએ એક સમયે એક વિશેષ સમુદાયની મારપીટ કરી હતી. આ મારપીટથી સાવરકરને આનંદ થયો હતો.’
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ઉલ્લેખ કરેલું કોઈ પુસ્તક જ નથી એવો દાવો વીર સાવરકરના ભાઈના પૌત્ર સાત્યકીએ કરીને રાહુલ ગાંધી સામે પુણેની કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો છે. આ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૯ મેએ હાજર રહેવાના સમન્સ મોકલવાનો આદેશ શુક્રવારે આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અન્ય એક કેસમાં વીર સાવરકરનું અપમાન કરવા બદલ સુપ્રીમ કોર્ટે પણ બે દિવસ પહેલાં રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને સ્વતંત્રતાસૈનિકોના વિરોધમાં અપમાનજનક નિવેદન ન કરવાનું કહ્યું હતું.

