યમુનોત્રી ધામ નજીક ભૈરવ મંદિર પાસે ૨૩ જૂને થયેલા ભૂસ્ખલનમાં કમલેશ જેઠવા ખીણમાં પડી ગયો હતો
કમલેશ જેઠવા (ડાબે) અને તેને શોધવા માટે બડકોટ પોલીસ દ્વારા ચાલી રહેલું સર્ચ-ઑપરેશન.
થાણે-વેસ્ટના ચેકનાકામાં કિશનનગર-૧ના સંગમસદન બિલ્ડિગમાં રહેતો અને ટેલરિંગનો વ્યવસાય કરતો ૩૫ વર્ષનો કમલેશ જેઠવા ૨૩ જૂને યમુનોત્રી ધામ નજીક આવેલા ભૈરવ મંદિર પાસે થયેલા ભૂસ્ખલનમાં લાપતા થઈ ગયો હતો. આ મામલે કમલેશને શોધવા માટે ઉત્તરાખંડની બડકોટ પોલીસ દ્વારા હજી પણ સર્ચ-ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મમ્મી ચંપાબહેનને ચારધામ યાત્રા કરવાની ઇચ્છા હતી જેને પૂરી કરવા કમલેશ તેમની સાથે મુલુંડથી ચારધામ જતા એક ગ્રુપ સાથે ગયો હતો. ૨૩ જૂને બપોરે ચાર વાગ્યાની આસપાસ યમુનોત્રી દર્શન કરી ચાલતો પાછો આવી રહ્યો હતો એ દરમ્યાન લૅન્ડસ્લાઇડમાં તે ખીણમાં પડી ગયો હતો.
કમલેશના સાઢુભાઈ રમેશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ અને થાણેથી ચારધામ જતા એક ગ્રુપ સાથે અમે બધા ૧૯ જૂને ચારધામ જવા માટે નીકળ્યા હતા જેમાં કમલેશ અને તેનાં મમ્મી ચંપાબહેનનો પણ સમાવેશ હતો. ચંપાબહેનને ચારધામ દર્શન કરવાની ઇચ્છા હોવાથી કમલેશ અમારી સાથે જોડાયો હતો. ૨૦ જૂને હરિદ્વાર પહોંચીને અમે ગંગાઆરતી કરી હતી અને ત્યાંનાં મંદિરોમાં દર્શન કર્યાં હતાં. ૨૩ જૂને બડકોટ ત્રિશૂલ હોટેલમાં અમે બધાં રોકાયાં હતાં. એ જ દિવસે અમે યમુનોત્રીનાં દર્શન કરવાનું નક્કી કરી કેટલાક લોકો ઘોડા પર અને કેટલાક લોકો ચાલતા યમુનોત્રીનો ઘાટ ચડ્યા હતા જ્યાં અમારાં બપોરે બે વાગ્યાની આસપાસ દર્શન થઈ જતાં અમે બધા જ પાછા નીચે આવી રહ્યા હતા ત્યારે ચંપાબહેન ઉંમરને લીધે ઘોડા પર હતાં, જ્યારે કમલેશ ચાલતો આવી રહ્યો હતો. એ દરમ્યાન સાડાત્રણ વાગ્યાની આસપાસ ભૈરવ મંદિર પાસે લૅન્ડસ્લાઇડ થતાં કમલેશ અને અમારી સાથે રહેલો રસિક જેઠવા ખીણમાં નીચે પડ્યા હતા. જોકે રસિક કોઈક વસ્તુને સહારે લટકી જતાં તેને બચાવી લેવામાં આવ્યો હતો, પણ કમલેશ લૅન્ડસ્લાઇડને કારણે ખીણમાં નીચે પડી ગયો હતો જેને અમે સતત પોલીસ અને બીજા લોકોની મદદથી ચાર દિવસ સુધી શોધ્યો હતો. જોકે તે અમને મળ્યો નહોતો. હાલમાં અમે તેનાં મમ્મી ચંપાબહેનને લઈ પાછા મુંબઈ આવી ગયાં છીએ. હજી પણ કમલેશને શોધવાનો પ્રયત્ન સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં રસિકને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તે હાલમાં ભાંડુપની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.’
ADVERTISEMENT
બડકોટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપકસિંહ કથૈતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું સર્ચ-ઑપરેશન હજી પણ ચાલુ છે જેમાં અમે વિવિધ ઍન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. રોજ દિવસમાં ત્રણ વાર ડૉગ-સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત જાણકારો દ્વારા ખીણના નીચેના પટમાં વૉચ કરવામાં આવી રહી છે. હેલિકૉપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.’

