તિરુપતિ બાલાજીની જેમ ડોનેશન-પૉલિસી બનાવવામાં આવી, અલગ-અલગ સ્લૅબ જાહેર કરવામાં આવ્યા
શિર્ડી સાઈબાબા મંદિર
મહારાષ્ટ્રના શિર્ડીમાં આવેલા સાંઈબાબાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દેશભરમાંથી આવે છે. સાંઈબાબાના મંદિરમાં ભક્તો રોકડ રકમથી માંડીને સોના-ચાંદીના દાગીના ચડાવીને ડોનેશન પણ આપે છે. ડોનેશન આપનારા VIP ભક્તો માટે સાંઈબાબા સંસ્થાને તિરુપતિ બાલાજી મંદિરમાં ડોનેશન આપવા માટેની જે પૉલિસી અમલમાં છે એના આધારે નવી ડોનેશન-પૉલિસી બનાવી છે. નવી ડોનેશન-પૉલિસી મુજબ પહેલાં જ્યાં સાંઈબાબાની આરતી કરવા માટે મિનિમમ ૨૫,૦૦૦ રૂપિયાનું ડોનેશન લેવામાં આવતું હતું એમાં ઘટાડો કરીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભક્તો મોટા પ્રમાણમાં દાન કરતા હોવાથી સાંઈબાબા મંદિર પાસે ૫૧૪ કિલો સોનાના દાગીના જમા થયા છે. હવે ડોનેશનની નવી પૉલિસી બનાવવાથી મંદિરની આવકમાં વધારો થવાની શક્યતા છે.
સાંઈ સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે કહ્યું હતું કે ‘સાંઈબાબાનાં દર્શન માટે ભારતમાંથી લાખો સાંઈભક્તો આવે છે. ભક્તોને બાબાનાં સારી રીતે દર્શન થઈ શકે અને તેમને સારી સુવિધા મળી શકે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. મંદિરમાં ડોનેશન આપનારા ભક્તોની માગણી હતી કે દાન આપનારાઓને વિશેષ સુવિધાઓ આપવી જોઈએ. આથી અમે ડોનેશન પૉલિસી બનાવી છે.’
ADVERTISEMENT
કેવી છે ડોનેશન પૉલિસી?
- ૧૦થી ૫૦ હજાર રૂપિયાનું દાન આપનારા ભક્તોને પાંચ લોકો સાથે આરતીનો લાભ મળશે.
- ૫૦ હજારથી એક લાખ રૂપિયાનું દાન આપનારા ભક્તો બે વખત આરતીનો લાભ અને વર્ષમાં એક વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
- એકથી દસ લાખ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને બે VIP આરતીનો લાભ અને વર્ષમાં એક વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
- ૧૦થી ૧૫ લાખ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને બે VVIP આરતીનો લાભ અને વર્ષમાં એક વખત પાંચ વ્યક્તિને દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
- ૫૦ લાખથી વધુ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને ત્રણ VIP આરતીનો લાભ અને વર્ષમાં બે વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
- પંઢરપુર મંદિરની જેમ દર્શનની લાઇનમાં ઊભેલા સામાન્ય ભક્તોમાંથી પહેલા બે ભાવિકને આરતીનો લાભ મળશે.

