કોરોનાની વર્તમાન ઓમાઇક્રોનની લહેરમાં જે રૉકેટ ગતિએ કેસ વધવા માંડ્યા અને જે રીતે તરત જ કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ

ફાઇલ તસવીર
કોરોનાની વર્તમાન ઓમાઇક્રોનની લહેરમાં જે રૉકેટ ગતિએ કેસ વધવા માંડ્યા અને જે રીતે તરત જ કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ એ જોતાં નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈનો પ્રવાહ બ્રિટન અને અમેરિકાને બદલે દક્ષિણ આફ્રિકન શહેરો જેવો વધુ જણાઈ રહ્યો છે.
રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર શશાંક જોશીએ જણાવ્યું હતું કે ‘દક્ષિણ આફ્રિકામાં કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો, પણ બહુ ઓછા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની કે ઑક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. વળી કેસ ઝડપથી ઘટવા પણ લાગ્યા હતા. મુંબઈમાં અત્યારે કોરોનાનો આવો મિજાજ જોવા મળી રહ્યો છે.’
મુંબઈમાં ત્રીજી લહેરે ૨૧, ૨૨ ડિસેમ્બર ૨૦૨૧થી દેખા દીધી હતી. આ ગાળામાં દૈનિક કેસ ૩૧૨થી છલાંગ લગાવીને ૪૮૦ પર પહોંચી ગયા હતા. ૨૮ ડિસેમ્બરે દૈનિક કેસ ૧૩૩૩ ઉપર પહોંચી ગયા હતા અને રોજેરોજ બેવડાઈ રહ્યા હતા. ૭ જાન્યુઆરીએ કેસની સંખ્યા જોતજોતામાં ૨૦,૯૭૧ ઉપર પહોંચી ગઈ હતી, પણ ત્યારથી આંક ઘટી રહ્યો છે અને ગયા અઠવાડિયે એ ૧૧,૦૦૦થી ૧૩,૦૦૦ની વચ્ચે રહ્યો હતો (૧૬ જાન્યુઆરીના અપવાદરૂપ દિવસે ૧૬,૪૨૦ કેસ નોંધાયા હતા).
કેઈએમ હૉસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘અમેરિકામાં ઓમાઇક્રોનની લહેર શરૂ થઈ ત્યારે ડેલ્ટાની લહેર એના મધ્ય ભાગમાં હતી. આથી ડેલ્ટાનું સ્થાન તરત જ ઓમાઇક્રોનની લહેરે લઈ લીધું, જ્યારે મુંબઈમાં ડેલ્ટાની લહેર શમવા આવી હતી અને દૈનિક માંડ ૨૦૦ કેસ નોંધાતા હતા.’

