બાગેશ્વર ધામમાં સામૂહિક કન્યાવિવાહની પરંપરા ૨૦૧૯-’૨૦થી શરૂ થઈ હતી અને એ પછી દર વર્ષે એમાં સંખ્યા વધતી ગઈ હતી
બાગેશ્વર ધામમાં સામૂહિક વિવાહ
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં આવેલા બાગેશ્વર ધામમાં મહાશિવરાત્રિ પર ૩૦૦ કન્યાઓના ભવ્ય સામૂહિક વિવાહનું આયોજન થયું હતું. આ માટે ૧૦૦ એકર જમીનમાં મંડપ સજાવવામાં આવ્યો હતો. એમાં હલદી, મેહંદી અને વિવાહની તમામ રસમો પારંપરિક ઢબે નિભાવાઈ હતી. ૧૩ ફેબ્રુઆરીએ મંડપપૂજન અને હલદી સેરેમની થઈ હતી, ૧૪ ફેબ્રુઆરીએ મેહંદી અને સંગીત થયું હતું અને ગઈ કાલે લગ્નવિધિ થઈ હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ આયોજન સામાજિક સમાનતા અને મહિલા સશક્તીકરણની મિસાલ રજૂ કરે છે.
બાગેશ્વર ધામમાં સામૂહિક કન્યાવિવાહની પરંપરા ૨૦૧૯-’૨૦થી શરૂ થઈ હતી અને એ પછી દર વર્ષે એમાં સંખ્યા વધતી ગઈ હતી. પહેલાં ૫૦થી ૧૦૦ કન્યાઓના વિવાહ થતા હતા, પરંતુ સામૂહિક લગ્નના સાતમા વર્ષને સપ્તમ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૩૦૦ કન્યાઓનાં લગ્ન થયાં હતાં. આ લગ્નનો તમામ ખર્ચ બાગેશ્વર ધામની દાનપેટીમાંથી મળતી રકમમાંથી ઉઠાવવામાં આવે છે. આ વર્ષે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, નેપાલથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓનાં લગ્ન થયાં હતાં. આ લગ્નસમારોહમાં ૮ દેશોના રાજદૂત અને લાખો શ્રદ્ધાળુઓએ હાજર રહ્યા હતા.


