સતત ભસતો હતો એટલે ત્રાસીને એનો જીવ લઈ લીધો
૩૧ ઑક્ટોબરે બનેલી આ ઘટનાનાં ફુટેજ લિફ્ટમાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં મળી આવ્યાં હતાં.
માલિકના પાળેલા શ્વાનને લિફ્ટમાં ક્રૂરતાથી મારી નાખવાના કેસમાં બૅન્ગલોર પોલીસે ૨૯ વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે. ૩૧ ઑક્ટોબરે બનેલી આ ઘટનાનાં ફુટેજ લિફ્ટમાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં મળી આવ્યાં હતાં.
પુષ્પલતા નામની મહિલાનેને તેના માલિકના બે પાળેલા શ્વાનની સંભાળ રાખવા માટે સપ્ટેમ્બર મહિનામાં નોકરીમાં રાખવામાં આવી હતી અને તેને માસિક ૨૩,૦૦૦ પગાર અને અપાર્ટમેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. લિફ્ટમાં પુષ્પલતા ગુફી નામના શ્વાનને પટ્ટાથી ઉપાડતી અને પછી એને લિફ્ટના ફ્લોર પર ફેંકતી જોવા મળી હતી. ગુફીનું લિફ્ટમાં જ મૃત્યુ થયું હતું.
આ સંદર્ભમાં ગુફીની માલિક રસિકાએ જણાવ્યું હતું કે ‘ગુફીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. પુષ્પલતા અમને ઉડાઉ જવાબ આપતી હતી. તેણે કહ્યું કે રોડ-અકસ્માતમાં ગુફીનું મૃત્યુ થયું છે.’
તેના વર્તન પર શંકા જતાં રસિકાએ પોલીસને જાણ કરી હતી, જેમણે CCTV કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી હતી. એમાં આ આખી ઘટના બહાર આવી હતી. પૂછપરછ દરમ્યાન પુષ્પલતાએ દાવો કર્યો હતો કે તે ગુફીના સતત ભસવાથી હતાશ હતી.


