બિહારનાં ગામડાંઓમાં પદયાત્રાઓ કરીને અને નવી પૉલિટિકલ પાર્ટી બનાવીને મોટા વિજયનો દાવો કરતા પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક મળી નથી
ફાઇલ તસવીર
પૉલિટિકલ સ્ટ્રૅટેજિસ્ટ તરીકે અનેક પાર્ટીઓના વિજયનો યશ લેતા પ્રશાંત કિશોર પોતે જ્યારે પૉલિટિક્સના મેદાનમાં ઊતર્યા ત્યારે ઊંધા માથે પટકાયા છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં એક વર્ષથી બિહારનાં ગામડાંઓમાં પદયાત્રાઓ કરીને અને નવી પૉલિટિકલ પાર્ટી બનાવીને મોટા વિજયનો દાવો કરતા પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આ સમયે તેમણે આપેલા એક જૂના ઇન્ટરવ્યુનો વિડિયો સામે આવ્યો હતો. આ વિડિયોમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘બિહારમાં અમારી જન સુરાજ પાર્ટી કાં તો ભવ્ય વિજય મેળવીને અર્શ પર હશે અથવા ફર્શ પર હશે.’ અલબત્ત, તેમણે લડેલી તમામ ૨૩૮ બેઠકો પર પાર્ટીની હાર થઈ હતી અને ૬૮ બેઠકો પર જન સુરાજને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. જોકે જન સુરાજ પાર્ટીનો કુલ વોટશૅર ૩.૪૪ ટકા જેટલો રહ્યો હતો, જેને ઘણા વિશ્લેષકોએ નવા રાજકીય પક્ષ માટે સારો ગણાવ્યો હતો, કારણ કે ડાબેરી પક્ષો સહિત અનેક નાની પાર્ટીઓને જન સુરાજે પાછળ છોડી દીધી હતી.


