બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની લહેરમાં ઘણા ઉમેદવારોએ રેકૉર્ડ માર્જિનથી જીત મેળવી હતી
કલાધર પ્રસાદ મંડલ અને રાધાચરણ સાહ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની લહેરમાં ઘણા ઉમેદવારોએ રેકૉર્ડ માર્જિનથી જીત મેળવી હતી. રૂપૌલી બેઠક પરથી કલાધર પ્રસાદ મંડલે ૭૩,૫૭૨ મતના રેકૉર્ડ માર્જિનથી વિજય મેળવ્યો હતો. NDAના જ સંજીવ ચૌરસિયા દિઘા સીટ પરથી ૫૯,૦૭૯ મતથી જીત્યા હતા. NDAના કુલ ૧૨ ઉમેદવારો ૫૦,૦૦૦ કરતાં પણ વધારે મતથી જીત્યા હતા.
બીજી તરફ ભોજપુર જિલ્લામાં બિહાર વિધાનસભાનો સૌથી રોમાંચક અને નજીકથી લડાયેલો મુકાબલો જામ્યો હતો. સંદેશ વિધાનસભા બેઠક પર JDU ઉમેદવાર રાધાચરણ સાહ માત્ર ૨૭ મતથી જીત્યા હતા. ૨૮ રાઉન્ડની ગણતરી દરમ્યાન સતત બન્ને ઉમેદવારો આગળ-પાછળ ચાલી રહ્યા હતા. મોટા ભાગનો સમય RJDના દીપુ સિંહ આગળ લાગતા હતા, પણ ૨૮ રાઉન્ડ પૂરા થયા પછી RJDના ઉમેદવાર પાસે માત્ર ૩૬ મતની લીડ હતી. એ પછી પોસ્ટલ બૅલટ ખોલવામાં આવ્યાં ત્યારે JDUના ઉમેદવારની લીડ ૨૭ મતથી વધી ગઈ અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


