આ ઘટનાને સ્થાનિકો ઈશ્વરીય શક્તિનો પ્રસાદ ગણી રહ્યા છે.
આ વાછરડી એમ જ વછેરાને જન્મ આપ્યા વિના જ દૂધ આપવા લાગી હતી
બિહારના મુઝફ્ફરપુર પાસેના પ્રતાપપુર ગામમાં ચંદ્ર વિજય મિશ્રા નામના પશુપાલકને ત્યાં એક વાછરડી હજી જસ્ટ એક વરસની પણ નહોતી થઈ અને દૂધ આપવા લાગી છે. આ ઘટનાને સ્થાનિકો ઈશ્વરીય શક્તિનો પ્રસાદ ગણી રહ્યા છે. આ વાછરડી એમ જ વછેરાને જન્મ આપ્યા વિના જ દૂધ આપવા લાગી હોવાથી લોકો એને લક્ષ્મીનો અવતાર માનીને પૂજી રહ્યા છે. ચંદ્ર વિજય મિશ્રાનું કહેવું હતું કે થોડા દિવસ પહેલાં તેમણે જોયું કે વાછરડી કંઈ ખાઈ નથી રહી, પરંતુ એનાં આંચળ ખૂબ ફૂલી ગયાં છે. કદાચ વાછરડીને કંઈક તકલીફ હશે એમ માનીને ડૉક્ટરને બોલાવ્યા અને દવાઓ કરાવી. જોકે ડૉક્ટરે આંચળને દબાવતાં ખબર પડી કે એમાંથી તો દૂધ નીકળે છે. પહેલી વારમાં ૨૦૦થી ૨૫૦ ગ્રામ જેટલું દૂધ નીકળ્યું અને પરિવારજનો સહિત બધા જ અચંબિત થઈ ગયા હતા. એ પછી રોજ દિવસમાં એક વાર જો એના આંચળમાંથી દૂધ ન કાઢવામાં આવે તો એ કંઈ ખાતી-પીતી નથી, પરંતુ દૂધ કાઢી નાખ્યા પછી એ નૉર્મલ થઈ જાય છે. લોકો આ વાછરડીને દીવો અને તિલક કરીને પૂજા કરી જાય છે.


