વેદવ્યાસે જ્યાં મહાભારતની રચના કરી હતી એ સરસ્વતી ઉદ્ગમસ્થાન પર બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્કર કુંભ
સરસ્વતી નદી
ઉત્તરાખંડમાં યોજાતી ચારધામયાત્રા આ વર્ષે ખાસ રહેશે, કારણ કે ચમોલી જિલ્લામાં બદરીનાથ પાસે માણા ગામમાં સરસ્વતી નદીના ઉદ્ગમસ્થાન પર જ્યાં વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી ત્યાં આ વર્ષે બાર વર્ષ બાદ પુષ્કર કુંભ યોજાશે. માણા ગામથી માત્ર એક કિલોમીટરના અંતરે સરસ્વતી નદી વહે છે. આ સ્થળે ગણેશગુફા અને વ્યાસપોથી પણ આવેલી છે. બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ થાય ત્યારે આ પુષ્કર કુંભ થાય છે.
૧૫ મેથી શરૂ થનારા આ પુષ્કર કુંભમાં દક્ષિણ ભારતના આચાર્યો સામેલ થશે. પચીસ મેએ આ પુષ્કર કુંભનું સમાપન થશે. આ આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી આવનારા ભાવિકોને મુશ્કેલી પડે નહીં. આ વર્ષે આ સમયગાળા દરમ્યાન તમામ હોટેલ અને લૉજનાં બુકિંગ ફુલ છે.
૪ મેથી બદરીનાથ મંદિરનાં કપાટ ખૂલી જશે. એ પહેલાં ૩૦ એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી તથા બે મેએ કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે.

