જસ્ટિસ સૂર્યકાંત બી. આર. ગવઈ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જસ્ટિસ છે અને તેમને ભારતના ૫૩મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંત
જસ્ટિસ સૂર્યકાંત સોમવારે ૨૪ નવેમ્બરે ભારતના નવા અને ૫૩મા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) તરીકે શપથ ગ્રહણ કરવાના છે. વર્તમાન CJI બી. આર. ગવઈનો કાર્યકાળ રવિવારે સમાપ્ત થવાનો છે. જોકે પ્રથમ વખત ૬ દેશોના ચીફ જસ્ટિસ, જજ અને તેમના પરિવાર રાષ્ટ્રપતિભવનમાં ભારતના નવા ચીફ જસ્ટિસના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા CJI તરીકે જસ્ટિસ સૂર્યકાંતને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
આ પહેલી વાર છે કે ન્યાયતંત્રનું પ્રતિનિધિત્વ કરતું આટલું મોટું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. નેપાલ, ભુતાન, કેન્યા, મલેશિયા, મૉરિશિયસ અને શ્રીલંકા એમ છ દેશોના ચીફ જસ્ટિસ, જજ અને તેમના પરિવાર ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
જસ્ટિસ સૂર્યકાંત કોણ છે?
જસ્ટિસ સૂર્યકાંત બી. આર. ગવઈ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જસ્ટિસ છે અને તેમને ભારતના ૫૩મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૯૬૨ની ૧૦ ફેબ્રુઆરીએ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંતને ૨૦૧૯ની ૨૪ મેએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેમણે હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. જસ્ટિસ સૂર્યકાંત ૧૯૮૧માં હિસારની સરકારી પોસ્ટ-ગ્રૅજ્યુએટ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા હતા. ૧૯૮૪માં તેમણે રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. થોડા સમય પછી તેમણે હિસાર જિલ્લા અદાલતમાં કાયદાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી.


