આ કથિત બિલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
ગ્રામપંચાયતમાં ૨૫૦૦ ઈંટોની ખરીદી માટે ૧.૨૫ લાખ રૂપિયાનું બિલ પસાર કરવામાં આવ્યું
મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં ફરી એક વાર પંચાયતોમાં ચાલતો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા પંચાયત બુધર હેઠળની ભાટિયા ગ્રામપંચાયતમાં ૨૫૦૦ ઈંટોની ખરીદી માટે ૧.૨૫ લાખ રૂપિયાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ચુકવણી પણ કરવામાં આવી હતી. આ કથિત બિલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
પરિબહાર ગામના ચેતન પ્રસાદ કુશવાહાના નામે ઈંટો ખરીદવામાં આવી હતી. એક ઈંટનો ભાવ પાંચ રૂપિયા નોંધાયેલો છે, પરંતુ કુલ ચુકવણી ૧.૨૫ લાખ રૂપિયા બતાવવામાં આવી છે. બિલ પર પંચાયત સચિવ અને સરપંચ બન્નેના સહીસિક્કા છે.
ADVERTISEMENT
ગ્રામપંચાયત કુદ્રીમાં માત્ર બે પાનાંની ફોટોકૉપી માટે ૪૦૦૦ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું હતું. આ બિલ સરપંચ અને પંચાયત સચિવની કથિત મિલીભગતથી પાસ કરવામાં આવ્યું હતું અને ચુકવણી પણ કરવામાં આવી હતી. બિલમાં દર્શાવવામાં આવ્યું છે કે રાજ ફોટોકૉપી સેન્ટર અને ડિજિટલ સ્ટુડિયો પાસેથી બે પાનાંની નકલ માટે પ્રતિ પાના ૨૦૦૦ રૂપિયાના દરે કુલ ૪૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય રીતે ફોટોકૉપીની કિંમત પ્રતિ પાના એક-બે રૂપિયા હોય છે.
મધ્ય પ્રદેશમાં જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચારનો આ પહેલો કિસ્સો નથી. માત્ર ૪ લીટર પેઇન્ટથી સ્કૂલનું રંગકામ કરીને ૧૬૮ મજૂરો અને ૬૮ કડિયાઓ માટે ૧.૦૭ લાખ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું હતું.
લખવામાં ભૂલ થઈ હશે
આ બાબતે શહડોલના કલેક્ટર કેદાર સિંહે કહ્યું હતું કે બે ફોટોકૉપી માટે ૪૦૦૦ રૂપિયા લખવામાં ભૂલ થઈ હશે. જોકે તેમના નિવેદનથી લોકોને સંતોષ થયો નથી. વિપક્ષો અને સામાજિક કાર્યકરો આ અંગે તપાસની માગણી કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રે તપાસનો આદેશ આપ્યો છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

