જોકે પાછલા સમયમાં ભારતે અમેરિકા પાસેથી પણ ક્રૂડ તેલની આયાત વધારી છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની જાન્યુઆરીમાં શરૂઆત પછી ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ક્રૂડ ઑઇલમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત પર દબાણ કરવા માટે જુદા-જુદા દાવા અને આરોપ કરી રહ્યા છે એમાં ભારત રશિયા પાસેથી સૌથી વધારે ક્રૂડ તેલની આયાત કરે છે એ વિશે ડોનલ્ડ ટ્રમ્પે વારંવાર અણગમો વ્યક્ત કર્યો છે. જોકે પાછલા સમયમાં ભારતે અમેરિકા પાસેથી પણ ક્રૂડ તેલની આયાત વધારી છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની જાન્યુઆરીમાં શરૂઆત પછી ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ક્રૂડ ઑઇલમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૨૫ના પ્રથમ ૬ મહિનામાં ભારતે અમેરિકાથી ૨,૭૧,૦૦૦ બૅરલ પર ડે (BPD) ક્રૂડ તેલની આયાત કરી હતી, જ્યારે ૨૦૨૪ના આ જ સમયગાળામાં આ આંકડો ૧,૮૦,૦૦૦ BPD હતો. આમ આ ૫૧ ટકાનો વધારો છે. ભારતીય રિફાઇનર્સ પહેલાં અમેરિકાના ક્રૂડનો ઉપયોગ કરતા હતા, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રશિયન તેલ તરફ વળ્યા હતા. જોકે હવે પાછું એવું લાગે છે કે તેઓ ફરીથી અમેરિકન તેલમાં રસ દાખવી રહ્યા છે. આ જ સમયગાળામાં બ્રાઝિલથી થતી આયાતમાં પણ ૮૦ ટકાનો વધારો થયો છે.
જાન્યુઆરી-જૂનમાં ૧.૬૭ મિલ્યન PBDના શિપમેન્ટ સાથે રશિયા હજી પણ ભારતનું ટોચનું તેલ સપ્લાયર છે. ભારતે જૂનમાં રશિયન તેલની ખરીદીમાં પણ વધારો કર્યો છે, જે ૧૧ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

